2027ની ચૂંટણીની તૈયારીઓ ભારતીય જનતા પાર્ટીએ આરંભી કે નહીં એ તો હજુ ખબર નથી પણ કોંગ્રેસે શરુ કરી દીધી છે. સંસદમાં રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદીને કહ્યું કે, આગામી ચૂંટણીમાં ગુજરાતમાં અમે તમને હરાવીશું. ઉત્તર ગુજરાતે તો જાણે રાહુલ ગાંધીના આ પડકારની તૈયારીઓ અત્યારથી શરુ કરી દીધી છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનું વાવમાં સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિત કોંગ્રેસના અન્ય ધારાસભ્યો જોડાયા હતા. વાવની ચૂંટણી અને ભાજપમાં જોડાવાને લઈને ગેનીબેન ઠાકોરે મોટુ નિવેદન આપ્યું છે.
વાવ વિધાનસભામાં તેમના પોતાના વિસ્તારમાં ગેનીબેન આજે પહોંચ્યા હતા જ્યાં તેઓ ધારાસભ્ય હતા. ત્યાં તેમણે વાવ વિધાનસભાના મતદારોને આભાર વ્યક્ત કરતા એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેમની અંતિમયાત્રામાં પણ કોંગ્રેસનો ઝંડો રહેશે, 2017ની ચૂંટણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભાજપ અને બધા કહેતા કે ગેનીબેન તો રાજીનામુ આપી દેવાના છે. પણ જો કોઈ બહેન કે દીકરી મામેરું માંગીને સત્તા સ્થાને આવે તો એની કિંમત હું જાણું છું તેવુ નિવેદન ગેનીબેને આપ્યું હતું. વાવના મતદારોનો વિશ્વાસ ક્યારેય નહીં તોડે તેવું કહેતા બેને કહ્યું કે મારી અંતિમ વિધિમાં પણ કોંગ્રેસનો ઝંડો મારી સાથે રહેશે. આ ઉપરાંત વાવમાં હવે પેટાચૂંટણી આવશે. તો ફરી એકવાર મામેરું માગતા ગેનીબેન કહ્યું કે, જેને પણ ટિકિટ આપે મોવડી મંડળ એને જીતાડજો.
વાવ બેઠક પર આ નામ ચર્ચામાં
સાંસદ બનતા ગેનીબેન ઠાકોર વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું. હવે આ બેઠક ખાલી પડી છે એટલે કે છ મહિનાની અંદર વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાશે તેવી અટકળો ચાલી રહી છે. ત્યારે આ બેઠક પર કોંગ્રેસ કોને ટિકિટ આપશે તેને લઈને અટકળો તેજ બની છે. કોંગ્રેસ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠકથી ટિકિટ આપી શકે છે. આ ઉપરાંત ઠાકરશી રબારીનું નામ ચર્ચાઈ રહ્યું છે, જે વાવ તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે. જોવાનું એ રહેશે કે મોવડી મંડળ હવે ટિકિટ આપે છે કોને.