રાજ્યમાં રસ્તા તૂટવા અને લોકોના ઘરમાં પાણી ઘૂસી જવું એ સામાન્ય ઘટના બની ચૂંકી છે. આ દરમિયાન લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન ભાજપના નેતા અને લોકોની સમસ્યા મામલે પોતાના પક્ષ કે તંત્રના કાન આમળતા અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ ડૉ. ભરત કાનાબારે સવાલ ઉઠાવ્યા છે.

ટ્વિટ મારફતે ડૉ. કાનાબારે કહ્યું કે, નવા બનેલ રસ્તાઓ પર ટૂંકા સમયમાં ખાડા અને ભુવા પડે છે ત્યારે માત્ર રસ્તાઓ જ નથી તૂટતાં, લોકોનો તંત્ર પરનો ભરોસો તૂટે છે.નબળું કામ કરનાર કોન્ટ્રાક્ટરને દંડ થાય એ તો સમજયા પણ આવા કામ પર જેમની સુપરવિઝન કરવાની જવાબદારી છે એવા મોટા મસ પગાર લેતા એન્જીનયરો અને અન્ય કર્મચારીઓને કેમ કોઈ દંડ થતો નથી ? એમને સરકાર પગાર શેનો આપે છે ??

આવા રસ્તા પર હડદોલા ખાતા ખાતા પસાર થતો આમ આદમી ખાલી મનમાં બબડતો રહેશે તો ક્યારેય તેની હાડમારીનો અંત આવશે નહિ. તેણે તો જ્યાં જ્યાં નબળું કામ થતું હોય ત્યાં ત્યાં તેની સામે નીડરતાથી અવાજ ઉઠાવવો પડશે ! “આપ મૂઆ વિના સ્વર્ગે ના જવાય” તેમ પોતાના હકોની લડાઈ તો લોકોએ જાતે જ લડવી પડશે.