રાજ્યભરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ખાડા પડ્યા છે. આ દરમિયાન ગુજરાતના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, ગુજરાતની જનતા એક તરફ ભારે વરસાદ અને સરકાર સર્જિત પૂરથી ત્રાહિમામ અને હેરાન પરેશાન છે. બીજી બાજુ કમરતોડ મોંઘવારી, કમરતોડ ટેક્ષ અને કમલમના કમિશનને કારણે ગુજરાતની જનતાની કમર ભાગતા રસ્તાના ખાડાથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. પહેલા વરસાદ પડે તો વરસાદ બાદ રોડ પર દેડકા જોવા મળતા હતા હવે આ ભાજપના શાસનમાં પહેલા જ વરસાદ પછી રોડ પર દેડકાને બદલે ખાડા અને ભુવા જોવા મળે છે.

અમિત ચાવડાએ જણાવ્યું કે ગામથી લઈને ગાંધીનગર સુધી બધા જ રસ્તાઓમાં મોટા પ્રમાણમાં ખાડાને કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. રસ્તા પરના ખાડા ગુજરાતની જનતાની કમર તો ભાંગે જ છે પણ સાથસાથે પ્રજાનું ખીસ્સુ પણ ભાંગે છે. આજ ગુજરાતમાં સરકાર દ્વારા જે ટોલટેક્ષ લેવામાં આવે છે એના આંકડા જોઈએ તો એક જ વર્ષમાં 4800 કરોડ રૂપિયા જેટલી રકમ ટોલટેક્ષના નામે સરકાર ઉઘરાવે છે. બીજી બાજુ ગુણવત્તાયુક્ત રસ્તા આપવાની વાત આવે સરકાર કુદરતનો વાંક કાઢે છે. દર વર્ષે રસ્તાઓ ધોવાઇ જાય અને ખાડાઓને કારણે જનતાની કમર તો તૂટે છે પણ સાથેસાથે મોટા પ્રમાણમાં સમય અને ઇંધણની પણ બરબાદી થાય છે. વાહનોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે, અને ખાડા પડવાને કારણે જે અકસ્માતો થાય છે એમાં પણ મોટા પ્રમાણમાં લોકોની જાનહાની થાય છે. મળતા આંકડા મુજબ 2017 થી 2021 ના જ આંકડા લઈએ તો પાંચ વર્ષની અંદર ખાડામાં પડવાને કારણે થયેલ અકસ્માતમાં 500 કરતા વધારે લોકોના મૃત્યુ નોંધાયા છે. એના માટે સરકારનો ભ્રષ્ટાચાર જવાબદાર છે.

સરકાર પર કર્યા સવાલો
અમદાવાદ મ્યુ. કોર્પોરેશને જાતે જ સ્વીકાર્યું છે કે, આ સિઝનમાં એકલા અમદાવાદ શહેરમાં 19 હજાર કરતા વધારે સ્થળોએ ખાડાનું રીપેરીંગ કરવામાં આવ્યું. એ જ રીતે સુરતના આંકડાઓ જોતા 10 હજાર કરતા વધારે ખાડાઓની મરામત કરવામાં આવી. દર વર્ષે પહેલો વરસાદ પડે, ખાડા પડે એટલે કરોડો રૂપિયા ધોવાઇ જાય છે. એની પાછળ મરામતના નામે પણ કરોડો રૂપિયાનો ખર્ચ થાય આ તમામ પૈસા ખર્ચાઈ ગયા છે, કોન્ટ્રાકટરો અને સરકારના ખિસ્સા ભરાઈ ગયા છે એ પ્રજાના ટેક્ષના પૈસાની બરબાદી થઇ ગઈ છે. રાજ્યમાં માર્ગ મકાન વિભાગ અને શહેરી વિકાસ વિભાગ બંને માન. મુખ્યમંત્રી ને હસ્તક છે ત્યારે માંગણી કરીએ છીએ કે આખા ગુજરાતમાં ખાડારાજને કારણે પ્રજા ત્રાહિમામ છે, ચારે તરફ રસ્તાઓને નામે કરોડોનો ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે. ત્યારે જનતા સરકાર પાસે જાણવા પણ માંગે છે કે, આમાં સાચી હકીકતે થઇ શું રહ્યું છે? આથી માંગણી કરીએ છીએ કે, સરકાર આખા ગુજરાતના રસ્તાઓને ખાડાઓને અનુસંધાને શ્વેતપત્ર બહાર પાડે કે છેલ્લા એક વર્ષમાં રોડ બન્યો હોય એમાં ખાડા પડ્યા હોય તેવા રસ્તા કયા છે? બે વર્ષમાં રોડ બન્યો હોય એમાં ખાડા પડ્યા હોય તેવા રસ્તા કયા છે? સાથેસાથે ગેરંટી પીરીયડમાં હોય અને રસ્તા ધોવાઇ ગયા હોય? ખાડા પડ્યા હોય તેવા રસ્તા કયા છે? એવા રસ્તાઓની મરામત પાછળ માર્ગ અને મકાન વિભાગ કે શહેરી વિકાસ વિભાગે કયા રસ્તા પાછળ કેટલી રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે? ગેરંટી પીરીયડમાં હોય તો કયા કોન્ટ્રાકટર પાસેથી આનો ખર્ચ વસુલવામાં આવ્યો છે? સાથેસાથે એક જ કોન્ટ્રાકટરની વારંવાર ગુણવતા હલકી હોવાની ફરિયાદો હોય, એક કોન્ટ્રાકટર કે એજન્સીના રસ્તાઓ વારંવાર ધોવાઇ જતા હોય એવા કેટલા કોન્ટ્રાકટરોને બ્લેક્લીસ્ટ કરવામાં આવ્યા? એક રજૂઆત મુજબ સરકાર કોઈને બ્લેકલીસ્ટ કરે તો આખું તંત્ર મિલીભગત અને ભ્રષ્ટાચારમાં ગોઠવાયેલું છે કે એ જ એજન્સી બીજા નામે કોન્ટ્રાકટ લઈને કામો ચાલુ છે. ત્યારે સરકાર આ તમામનો સર્વે કરાવીને શ્વેતપત્ર બહાર પાડે તો ગુજરાતની જનતાના ખ્યાલ આવે કે અમે જે ટેક્ષ આપીએ છીએ એનાથી જે રસ્તા બને છે એમાં કોના ખિસ્સા ભરાય છે. કોને લાભ થાય છે અને પ્રજા આ હાડમારીમાંથી ક્યારે છૂટશે.

ગુજરાતમાં આજે શહેરના રસ્તા, ગામડાના રસ્તા, સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવે હોય બધાની એક જ પરિસ્થિતિ છે. ભ્રષ્ટાચારી તંત્રએ સરદાર સાહેબને પણ છોડ્યા નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આખા દેશ અને વિશ્વમાંથી લોકો આવતા હોય, એ જ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રસ્તો કદાચ પ્રધાનમંત્રી ની સ્પેસ ટેકનોલોજીથી બનેલો રસ્તો હશે એ રસ્તો કેવો ધોવાઇ ગયો પોપડા ઉખાડી ગયા એ સ્પેસ ટેકનોલોજીથી બનેલો રસ્તો સ્પેસ તરફ જતો હોય એનો વિડીયો સૌએ જોયો છે. આખા રાજ્યની જનતા ખાડારાજથી હેરાન પરેશાન છે. મુખ્યમંત્રી અને આખી સરકાર ભાજપની સભ્ય નોંધણી ઝુંબેશમાંથી નવરી પડે તો ગુજરાતની જનતાની ચિંતા ચોક્કસ કરે અને ગુજરાતમાં જે ખાડારાજ છે, ખાડામાં પાડીને લોકોની કમર તૂટી રહી છે, વાહનો તૂટી રહ્યા છે, સમય અને ઇંધણની બરબાદી થઇ રહી છે એમાંથી ગુજરાતની જનતાને બચાવે.

અમિત ચાવડાએ કહ્યું કે, માર્ગ અને મકાન વિભાગ અને શહેરી વિકાસ વિભાગ બંને મુખ્યમંત્રી પાસે છે લોકો પૂછે છે કે દાદા ભ્રષ્ટાચારીઓ સામે મૃદુ કેમ છે? અને ગુજરાતની જનતા ખાડામાં પડી રહી છે, ટેક્ષ ભરી રહી છે ત્યારે ભ્રષ્ટાચારીઓને ડામવા માટે અને ખાડારાજમાંથી કાયમી મુક્તિ માટે મુખ્યમંત્રી ક્યારે મક્કમ બનશે એ પણ ગુજરાતની જનતા પૂછી રહી છે. ત્યારે માંગણી કરીએ છીએ કે, ગુજરાતમાં જે ખાડારાજ ચાલે છે, ભ્રષ્ટાચાર ચાલે છે, પ્રજાના ટેક્ષના પૈસાની બરબાદી થઇ રહી છે ત્યારે મુખ્યમંત્રી પોતાનો વિભાગ છે તો શ્વેતપત્ર બહાર પડે અને સાચી હકીકતો શું છે કે કેમ રસ્તાઓ ધોવાઇ જાય છે? કયા કોન્ટ્રાકટરો સાથેની મિલીભગત છે અને એની સામે શું કાર્યવાહી કરવામાં આવી એ અંગેનું શ્વેતપત્ર બહાર પાડો એવી માંગણી કરીએ છીએ.