આમ તો રોડ-રસ્તા સહિતની અનેક બાબતોમાં કૌભાંડ થયું હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે રાજકોટમાં તો કૌભાંડ કરનારાઓએ હદ કરી દીધી છે. સ્મશાનના લાકડા પણ છોડ્યા નથી. સ્મશાન એક એવી જગ્યા છે કે જ્યાં ગમે તેવો વ્યક્તિ હોય પરંતુ એ જગ્યાએ તો સહજ રીતે માનવતા દાખવતા જ હોય છે. રાજકોટ શહેરના સ્મશાનોમાં લાકડાનું કૌભાંડ થયું હોવાનો આક્ષેપ થયો છે.

રાજકોટમાંથી વધુ એક મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. રાજકોટમાં ભારે વરસાદ અને પવનનાં કારણે વિવિધ વિસ્તારોમાં મહાકાય વૃક્ષો ધરાશાયી થયા હતા. આ વૃક્ષોને કાપીને તેના લાકડા વિવિધ સ્મશાનગૃહમાં મોકલવાનું નક્કી થયું હતું. સરકારી ચોપડે ગાર્ડન શાખા દ્વારા સ્મશાનમાં આ લાકડા ભરેલી 35 ગાડીઓ મોકલવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. પરંતુ, તેની વાસ્તવિકતા કંઈક જુદી જ હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ મનપાનાં ગાર્ડન વિભાગ દ્વારા સરકારી ચોપડે વિવિધ સ્મશાનમાં લાકડાથી ભરેલી 32 જેટલી ગાડીઓ મોકલવામાં આવી હોવાનું જણાવાયું છે. પરંતુ, કયાં સ્મશાનમાં કેટલી ગાડીઓ મોકલી અને ખરા અર્થમાં કેટલી પહોંચી તેના આંકડા અને હકીકત ચોંકાવનારી છે. માહિતી મુજબ, મોટા મોવા વિસ્તારમાં આવેલા સ્મશાનમાં 3 ગાડી મોકલવામાં આવી હોવાનું સરકારી ચોપડે જણાવાયું છે. પરંતુ, હકીકતમાં એક જ ટ્રેક્ટર અને એક નાની બોલેરો જેટલા લાકડા સ્મશાને પહોંચ્યા હતા.

અંતિમક્રિયા માટે મોકલેલા લાકડાઓ સગેવગે
આ ઉપરાંત, સરકારી ચોપડામાં દર્શાવેલી માહિતી અનુસાર બાપુનગર વિસ્તારના સ્મશાનમાં 5 ગાડી મોકલવામાં આવી હતી. જ્યારે, ખરા અર્થમાં ત્યાં માત્ર એક ટ્રેક્ટર પહોંચ્યું હોવાનો ખુલાસો થયો છે. બાકીનાં 3 ટ્રેકટર ક્યાં ગાયબ થયા ? તે અંગે હાલ પણ રહસ્ય છે. આવી જ રીતે મવડી સ્મશાનમાં પણ 3 ગાડીઓ મોકલી હોવાનું સરકારી ચોપડે લખેલું છે. જ્યારે ત્યાં 1 ટ્રેક્ટર જ પહોંચ્યું હતું. રૈયા વિસ્તારનાં સ્મશાનમાં 4 ગાડી મોકલી હોવાનું સરકારી રેકોર્ડમાં જણાવ્યું છે જ્યારે ત્યાં પણ લાકડાનાં માત્ર 2 જ ટ્રેક્ટર પહોંચ્યા હતા. આ સિવાય, પોપટપરામાં આવેલા સ્મશાનમાં 7 ગાડીઓ ભરીને લાકડા મોકલવામાં આવ્યા હોવાનું જણાવાયું છે, જ્યારે ત્યાં માત્ર 5 ટ્રેક્ટર પહોંચ્યા હોવાનો ખુલાસો થયો છે. આમ, અંતિમક્રિયા માટે મોકલેલા લાકડાઓને બારોબાર સગેવગે કરવાનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે.

માધ્યમોમાં અહેવાલો પ્રસારિત થયા બાદ રાજકોટનાં નાયબ મ્યુનિ. કમિશનર સ્વપ્નિલ ખરે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ગાર્ડન શાખાની ભૂમિકા સુપરવિઝનની છે. એજન્સીનાં બિલોની તપાસ કરવામાં આવશે. જો સ્મશાનનાં લાકડામાં કૌભાંડ થયું હશે તો કાર્યવાહી કરવામાં આવશે. તેમણે માહિતી આપી કે, રાજકોટમાં વરસાદ અને પવનને કારણે 602 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા. આ વૃક્ષ કાપીને લાકડા સ્મશાન સુધી પહોંચાડવાનું કામ 2 એજન્સીને સોંપવામાં આવ્યું હતું. આ લાકડાને લઇ તમામ સ્મશાનમાં પણ તપાસ કરવામાં આવશે.