ગુરુવારે શેરબજારમાં અચાનક તોફાની ઉછાળો આવ્યો હતો અને સેન્સેક્સ-નિફ્ટીએ તમામ જૂના રેકોર્ડ તોડીને નવા ઊંચા સ્તરે પહોંચ્યા હતા. બજાર બંધ થવાના અડધો કલાક પહેલા જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ 1500 પોઈન્ટ ઉછળીને 83000ને પાર કરી ગયો હતો, જ્યારે NSEનો નિફ્ટી 500 પોઈન્ટ ઉછળીને 25,429ની નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો ભારતી એરટેલ સૌથી વધુ ઉછળ્યો હતો જેણે બજારને ટેકો આપ્યો હતો અને આ મજબૂત વધારો જોવા મળ્યો હતો. દરમિયાન, નિફ્ટી 50ના તમામ 50 શેરોમાં વધારો નોંધાયો હતો.

વૈશ્વિક બજારમાં સકારાત્મક સંકેતોની અસર ગુરુવારે સવારે શેરબજાર પર જોવા મળી હતી અને તેણે મજબૂત શરૂઆત કરી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ 400 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 100 પોઈન્ટથી વધુના વધારા સાથે ખુલ્યો હતો. બપોરે 3:10 વાગ્યે એટલે કે બજાર બંધ થવાના 20 મિનિટ પહેલા, સેન્સેક્સ અને નિફ્ટીમાં એકાએક એટલો ઉછાળો આવ્યો કે તમામ રેકોર્ડ તૂટી ગયા અને બજારે નવો ઈતિહાસ રચ્યો.

એક તરફ, ઇતિહાસમાં પ્રથમ વખત, સેન્સેક્સે 83,000 નો આંકડો પાર કર્યો, તો બીજી તરફ, નિફ્ટીએ 25,400 ને પાર કર્યો. સમાચાર લખાય છે ત્યાં સુધી, BSE સેન્સેક્સ 1,520.59 અથવા 1.87 ટકાના વધારા સાથે 83,043.74 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ એનએસઈનો નિફ્ટી 511 પોઈન્ટના ઉછાળા સાથે 25,422ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.