મોદી કેબિનેટની બેઠકમાં ‘એક દેશ-એક ચૂંટણી’ના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિના અહેવાલ પર કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને સરકારે તેને મંજૂરી આપી હતી.
મંગળવારે મોદી સરકારના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂરા થવા પર ગૃહમંત્રી અમિત શાહે ‘એક દેશ એક ચૂંટણી’ને લઈને મોટી જાહેરાત કરી હતી. શાહે કહ્યું હતું કે મોદી સરકાર આ કાર્યકાળ દરમિયાન ‘એક દેશ એક ચૂંટણી’ લાગુ કરશે. આ પહેલા ભાજપે લોકસભા ચૂંટણી માટેના પોતાના ઘોષણાપત્રમાં ‘એક દેશ એક ચૂંટણી’ના વચનનો પણ સમાવેશ કર્યો હતો.
શિયાળુ સત્રમાં બિલ થશે રજૂ
કેન્દ્રીય કેબિનેટના નિર્ણય વિશે માહિતી આપતા મોદી સરકારના મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, સંસદના આગામી શિયાળુ સત્રમાં વન નેશન-વન ઈલેક્શન પર બિલ રજૂ કરવામાં આવશે.
સમિતિએ માર્ચમાં રિપોર્ટ સોંપ્યો હતો
વન નેશન-વન ઈલેક્શનને લઈને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં 2 સપ્ટેમ્બર 2023ના રોજ એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ આ વર્ષે 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. કમિટીએ 191 દિવસ સુધી અનેક નિષ્ણાતો અને રાજકીય પક્ષોના લોકો સાથે ચર્ચા કર્યા બાદ 18 હજાર 626 પાનાનો રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં તમામ રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ 2029 સુધી લંબાવવાનું સૂચન કરવામાં આવ્યું હતું, જેથી આગામી લોકસભા ચૂંટણીની સાથે તેમની ચૂંટણી પણ યોજવામાં આવે.
દેશભરમાં બે તબક્કામાં ચૂંટણી કરાવવાનું સૂચન
વન નેશન વન ઈલેક્શનને લઈને રજૂ કરવામાં આવેલા આ રિપોર્ટમાં ત્રિશંકુ વિધાનસભા અને અવિશ્વાસ પ્રસ્તાવની સ્થિતિ અંગે પણ સૂચનો આપવામાં આવ્યા છે. સમિતિએ ભલામણ કરી છે કે આવી સ્થિતિમાં વિધાનસભાની બાકીની મુદત માટે ચૂંટણી યોજવામાં આવી શકે છે. આ રિપોર્ટમાં દેશભરમાં ત્રણ તબક્કામાં ચૂંટણી કરાવવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. સમિતિના મતે, પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થવી જોઈએ. આ પછી, બીજા તબક્કામાં, સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી 100 દિવસમાં થઈ શકે છે. જ્યારે ત્રીજા તબક્કામાં
સમિતિએ એવી પણ ભલામણ કરી છે કે ચૂંટણી પંચ આ ચૂંટણીઓ માટે એક જ મતદાર યાદી તૈયાર કરી શકે છે. ઉપરાંત સુરક્ષા દળો, વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓની વ્યવસ્થા માટે અગાઉથી આયોજન કરવાની ભલામણ કરવામાં આવી છે.
અગાઉ પણ એક સાથે ચૂંટણી યોજાઈ છે
1967 સુધી, ભારતમાં રાજ્યોની વિધાનસભાઓ અને લોકસભાની એક સાથે ચૂંટણીઓ સામાન્ય હતી. આઝાદી પછી, વર્ષ 1952, 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ છે. વર્ષ 1967 પછી, લોકસભા અને વિધાનસભાઓ અલગ-અલગ સમયે ઘણી વખત ભંગ કરવામાં આવી, જેના કારણે આ ક્રમ તૂટી ગયો. 1968 અને 1969માં કેટલીક વિધાનસભાઓ અને 1970માં લોકસભાનું અકાળે વિસર્જન કરવામાં આવ્યું હતું. એક દાયકા પછી, 1983માં, ચૂંટણી પંચે એક સાથે ચૂંટણી યોજવાનો પ્રસ્તાવ મૂક્યો. જોકે, પંચે તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે તત્કાલીન સરકારે તેની વિરુદ્ધ નિર્ણય લીધો હતો. 1999ના કાયદા પંચના અહેવાલમાં પણ એક સાથે ચૂંટણીઓ યોજવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીએ જોર આપ્યું હતું. ભાજપે 2014ની લોકસભા ચૂંટણી માટે તેના ચૂંટણી ઢંઢેરામાં જણાવ્યું હતું કે તે રાજ્ય સરકારોની સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે એકસાથે ચૂંટણી યોજવાની રીત વિકસાવવાનો પ્રયાસ કરશે.
જાણો શું છે મોટો પડકાર
‘એક દેશ, એક ચૂંટણી’ના અમલીકરણના કિસ્સામાં, સંસદીય ચૂંટણીઓ, એટલે કે લોકસભાની ચૂંટણીઓ અને તમામ રાજ્યો (વિધાનસભાઓ ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશો સહિત)ની વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવશે. આ માટે, કેટલીક વિધાનસભાઓ સમય પહેલા ભંગ કરવી પડી શકે છે, અને કેટલીકનો કાર્યકાળ લંબાવવો પડી શકે છે, જેના માટે બંધારણીય સુધારા કરવા પડશે.
જાણો કેટલા પક્ષો સાથે થઈ ચર્ચા
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ 62 રાજકીય પક્ષોનો સંપર્ક કર્યો હતો. જેમાંથી 32 લોકોએ એક દેશ, એક ચૂંટણીને સમર્થન આપ્યું હતું. જ્યારે 15 પક્ષો તેની વિરુદ્ધ હતા. 15 પક્ષો એવા હતા જેમણે જવાબ આપ્યો ન હતો. કેન્દ્રમાં એનડીએ સરકારમાં ભાજપ ઉપરાંત ચંદ્રબાબુ નાયડુની ટીડીપી, નીતિશ કુમારની જેડીયુ અને ચિરાગ પાસવાનની એલજેપી (આર) મોટી પાર્ટીઓ છે. જેડીયુ અને એલજેપી (આર) એક દેશ, એક ચૂંટણી માટે સહમત છે, જ્યારે ટીડીપીએ આ અંગે કોઈ જવાબ આપ્યો નથી. જેડીયુ અને એલજેપી (આર) એ એક દેશ, એક ચૂંટણીને સમર્થન આપીને કહ્યું હતું કે તેનાથી સમય અને પૈસાની બચત થશે. જ્યારે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, સીપીએમ અને બસપા સહિત 15 પાર્ટીઓએ તેનો વિરોધ કર્યો હતો. જ્યારે ઝારખંડ મુક્તિ મોરચા, ટીડીપી, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ સહિત 15 પક્ષોએ કોઈ જવાબ આપ્યો નથી.







