રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ત્રી 2’ના સુપરહિટ ગીત ‘આય નહીં’ના કોરિયોગ્રાફર શેખ જાની બાશા ઉર્ફે જાની માસ્ટરની મુશ્કેલીઓ સતત વધી રહી છે. જાની માસ્ટર દુષ્કર્મના આરોપમાં 19 સપ્ટેમ્બરથી જેલમાં છે. દરમિયાન હવે તેને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. ‘મેઘમ કારુકકથા’ ગીત માટે ‘શ્રેષ્ઠ કોરિયોગ્રાફી કેટેગરીમાં જાની માસ્ટરને આપવામાં આવેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચી લેવામાં આવ્યો છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સેલે એક નિવેદન બહાર પાડીને જાહેરાત કરી છે કે જાની માસ્ટર માટેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સ્થગિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં હાજરી આપવા માટે જાની માસ્ટરને આપવામાં આવેલ આમંત્રણ પણ રદ કરવામાં આવ્યું છે. મતલબ કે હવે ન તો જાની મસ્ટરને નેશનલ એવોર્ડ મળશે કે ન તો તે આ સમારોહમાં હાજર રહી શકશે.
જાણો શું કહ્યું છે લેટરમાં ?
સસ્પેન્શન લેટરમાં કહેવામાં આવ્યું છે કે કોરિયોગ્રાફરને તેમના પરના આરોપો સામે આવ્યા પહેલા જ આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. જો કે, આરોપની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ફિલ્મ ‘થિરુચિત્રમ્બલમ’ માટે ‘શ્રેષ્ઠ કોરિયોગ્રાફી’ માટે જાની માસ્ટર માટે 2022 માટેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આગામી આદેશ સુધી રોકી દેવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
તેલુગુ કોરિયોગ્રાફર જાની માસ્ટર એટલે કે શેખ જાની બાશા પર 21 વર્ષની છોકરીએ શારીરિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. POCSO હેઠળ કેસ નોંધાયા બાદ સ્પેશિયલ ઓપરેશન ટીમ (SOT)એ 19 સપ્ટેમ્બરે ગોવામાંથી તેની ધરપકડ કરી હતી.
મળતી માહિતી મુજબ, 4 ઓક્ટોબરે કોર્ટે જાની માસ્ટરને 6 થી 10 ઓક્ટોબર સુધી વચગાળાના જામીન આપ્યા હતા, પરંતુ જામીન માટે શરત એવી હતી કે કોરિયોગ્રાફર 10 ઓક્ટોબરના રોજ સવારે 10:30 વાગ્યા સુધીમાં કોર્ટમાં સરેન્ડર કરશે. કોરિયોગ્રાફરને 8 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં હાજરી આપવા માટે જ વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા, કારણ કે આ વખતે તેને તિરુચિત્રંબલમ ફિલ્મમાં તેના ગીત ‘મેઘમ કારુકકથા’ માટે શ્રેષ્ઠ કોરિયોગ્રાફીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળવાનો હતો, જે હવે દૂર કરવામાં આવ્યો છે.
જાની માસ્ટરે આ સુપરસ્ટાર્સ સાથે કરી ચૂક્યો છે કામ
જાની માસ્ટરના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેણે દક્ષિણની ફિલ્મોની સાથે ઘણી હિન્દી ફિલ્મો માટે ગીતો કોરિયોગ્રાફ કર્યા છે. રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ત્રી 2’ના સુપરહિટ ગીત ‘આય નહીં’ને પણ જાની માસ્ટર દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવ્યું છે, જેને ચાહકો તરફથી અપાર પ્રેમ મળ્યો છે. જાની માસ્ટર સુપરસ્ટાર થલપતિ વિજય, અલ્લુ અર્જુન, પ્રભાસ અને સલમાન ખાન જેવા મોટા સ્ટાર્સના કોરિયોગ્રાફર પણ રહી ચૂક્યા છે. તેણે ‘શ્રીવલ્લી’, ‘સિટ્ટી માર’ જેવા ગીતોની કોરિયોગ્રાફી કરી છે.