આજે રવિવારના દિવસે અચાનક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર હેશટેગ #Remove_Fix_Pay_in_Gujarat ટ્રેન્ડ થઈ રહ્યું છએ. અત્યાર સુધીમાં એક લાખ કરતા વધુ લોકોએ આ હેશટેગ સાથે પોસ્ટ મુકી પોતાની વ્યથા ઠાલવી દીધી છે. રાજ્યમાંથી ફિક્સ પગાર પ્રથા નાબુદ કરવાના આજના ટ્રેન્ડિગ હેશટેગને જોઈને લાગી રહ્યું છે કે, ગુજરાતમાં ફરી એકવાર આંદોલનના મંડાણ થઈ રહ્યાં છે. સરકારને આ બાબતે જલ્દી કોઈ વિચાર કરવો પડશે તેવું લાગી રહ્યું છે.

વિદ્યાર્થીઓ, કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી ફિક્સ પે હટાવવાની માંગ કરી રહ્યાં છે. અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં સૌથી ઓછું ફિક્સ પે વેતન આપવામાં આવે છે જેને હટાવવાની માંગ કરવામાં આવી રહી છે. માન્ય ભરતી બોર્ડની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને ઉમેદવાર સમકક્ષ અથવા ઉપલી કેડરમાં નોકરીએ લાગે ત્યારે તેણે અગાઉના સંવર્ગમાં આપેલી સેવાને રજા, પગાર અને નિવૃતિના લાભ સંબંધમાં હાલની સેવા સાથે નહીં જોડવાથી તેની ફિક્સ પગારી સેવાનો ગાળો ખરા અર્થમાં 5 વર્ષથી ઘણો વધુ થાય છે. સરવાળે યુવાનીના 10 વર્ષ તો ફિક્સ પગારમાં નીકળી જાય છે. ફિક્સ પગારમાં પાંચ વર્ષ બાદ નિયમિત પગાર ધોરણમાં આવ્યા તારીખે કર્મચારીને પાંચ ઇજાફાની ગણતરીને ધ્યાને રાખ્યા વગર જ પગાર બાંધણી કરવામાં આવવાથી કૂલ છ ઇજાફા ભવિષ્યની અસર સાથે અટકાવવા સમાન બની રહે છે. જે મોટામાં મોટી સજા છે. ઉપરાંત આટલું મોટુ આર્થિક નુકસાન ક્યારેય પણ ભરપાઇ થઇ શકે નહીં. માન્ય ભરતી બોર્ડ દ્વારા જ વર્ગ 3માં સીધી ભરતીમાં અજમાયશી ગાળો એક વર્ષનો હોય છે જ્યારે માન્ય ભરતી બોર્ડ દ્વારા જ ફિક્સ પગારમાં સીધી ભરતીમાં અજમાયશી ગાળો પાંચ વર્ષનો રાખવો એ કુદરતી ન્યાયના સિદ્ધાંતની તદ્દન વિરૂદ્ધ છે. વર્ષ 2012માં હાઇકોર્ટ દ્વારા આ નીતિ નાબુદ કરવા અંગેનો ચુકાદો અપાયો હતો પરંતુ તેની સામે સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઇ હતી અને એક દાયકા બાદ પણ આ કેસ પેન્ડિંગ રહ્યો છે. ગુજરાતની ફિક્સ પગારની નીતિ અન્ય રાજ્યોની સરખામણીએ પણ ઘણી કઠોર અને ગુજરાતની અસ્મિતા અને ગૌરવને ઝાંખપ લગાડનારી હોવાથી રદ કરવા માંગણી કરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા વિવિધ કચેરીઓમાં વર્ગ-૩ના કર્મચારીઓની પાંચ વર્ષ જેટલા ખૂબ જ લાંબા સમયગાળા માટે ફિક્સ-પેની નિતી અંતર્ગત વિવિધ કેડરમાં નિમણૂંક કરવામાં આવે છે. જ્યારે વર્ગ-૪ની કામગીરી માટે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી નિમણૂંક કરવામાં આવે છે. જે હાલની મોંઘવારીમાં ગુજરાતના શિક્ષિત અને સ્કીલ્ડ કર્મચારીઓનું ગુજરાત સરકાર દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું હોવાનું ખૂબ નાલેશીભર્યું અને બેજવાબદારી પૂર્વકનું તેમજ ભારતના સંવિધાન અને કાયદાનું તથા હાઇકોર્ટ-સુપ્રિમ કોર્ટનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવાનું દેખિતું ઉદાહરણ છે.

કેન્દ્રની સરકાર દ્વારા જ્યારે તમામ ભરતી પ્રક્રિયા ફુલ પગારમાં કરવામાં આવી રહી હોય ત્યારે તે જ સરકાર ગુજરાતમાં પણ હોય અને ત્યાં ભેદભાવભરી નીતિ કેમ?

સમગ્ર દેશમાં ગુજરાત મોડલને દર્શાવવામાં આવતું હોય ત્યારે ફીક્સ પગાર બાબતે સરકારશ્રીની ચુપકીદી શા માટે?
ગુજરાત રાજ્યના જ પડોશી રાજ્ય એવા રાજસ્થાનમાં પણ રાજસ્થાન હાઇકોર્ટ દ્વારા ફીક્સ પગાર નાબુદ કરવાના ચુકાદાને માન્ય રાખી ત્યાની સરકાર દ્વારા પણ ફીક્સ પગાર પ્રથા બંધ કરવામાં આવેલ છે. તો ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો શો અર્થ? શા માટે ગુજરાતની સરકાર કોર્ટના ચુકાદાને પણ ઘોળીને પી રહી છે?. ગુજરાતમાં હમણાં જ થયેલ અનામતના આંદોલનોમાં સરકાર દ્વારા બંધારણ અને સુપ્રીમ કોર્ટની દુહાઇ આપવામાં આવતી હોય અને તેનું ઉલ્લંઘન ના થઇ શકે તેમ જણાવવામાં આવતું હોય તો ફીક્સ પગાર બાબતે કર્મચારીને ભારોભાર અન્યાય કેમ?. સમાન કામ સામે સમાન વેતનના હકનું સરકારશ્રી દ્વારા ખુલ્લેઆમ દમન કેમ કરવામાં આવી રહ્યું છે?. શું હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટની પણ ઉપરવટ જઇને સમગ્ર વિશ્વના ઉદાહરણરૂપ મહાન ભારતના બંધારણનું ગુજરાત સરકાર ઉલ્લંઘન કરી રહી હોય તેમ લાગતું નથી?. ફુલ પગાર ભોગવતા દરેક કર્મચારીઓને દર છ મહિને મોંઘવારી વધારવામાં આવતી હોય છે. જેથી વધતી મોંઘવારીનો માર કર્મચારી સહન કરી શકે. તો એ બાબતમાં સળંગ પાંચ વર્ષ સુધી એજ કામ અને કાર્ય કરતો કર્મચારી ૭૮૦૦/-માં ક્યાં સુધી ઘર ચલાવી શકે?. શું ફિક્સ પગારના કર્મચારીઓને મોંઘવારી નડતી નથી? આવા બધા સવાલો સતત થઈ રહ્યાં છે.

ક્યા રાજ્યમાં કેટલો બેઝિક પગાર

રાજ્ય    ગ્રેન્ડ પે (બેઝિક પગાર) મળતો પગાર
મહારાષ્ટ્ર      4,200 9,300થી 34,800
બિહાર         4,200 9,300થી 34,800
હરિયાણા      4,200 9,300થી 34,800
પંજાબ        4,600 10,300થી 34,800
ગુજરાત      1800 5,200થી 20,200
ઉત્તર પ્રદેશ  4,200 9,300થી 34,800
દિલ્હી        4,200 9,300થી 34,800
આસામ     4,200 9,300થી 29000
આંધ્ર પ્રદેશ  4,200 9,460થી 27,700
જમ્મુ કાશ્મીર  4,280 9,300થી 34,800

જે પણ અધિકારીઓ અને મંત્રીઓ દ્વારા આ ફીક્સ પગારની નીતિનો માસ્ટર પ્લાન બનાવવામાં આવેલ હોય તેવા તમામને અમારી નમ્ર વિનંતી છે કે, ફક્ત એક જ મહિનો પોતાના વતનથી દૂર અને આ જ ફિક્સ પગારની નીતિમાં પોતે રહીને બતાવે તો જ અમો તમામની મુશ્કેલીઓ વિશે અંદાજ આવી શકે તેમ છે.આવી માંગ સાથે અને હેશટેગ સાથે સોશિયલ મીડિયા આજે તો ઉભરાય રહ્યું છે.આશા છે કે સરકાર આ બાબતે કશુંક વિચારશે.