ગુજરાતમાં વાવ બેઠકથી પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે. વાવ વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારોનું સસ્પેન્સ ખતમ થયું છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત સામે ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે.
વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં હવે ઠાકોર વર્સિસ રાજપૂતની લડાઈ જામશે. છેલ્લી ઘડીએ આખરે ભાજપે વાવમાં પોતાનો મુરતિયો ફાઈનલ કરી દીધો છે. ભાજપે વાવ પેટાચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે. ત્યારે વાવ બેઠક માટે ભાજપના સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત સામે સીધી જંગ થશે. સ્વરૂપજી ઠાકોર 2022માં વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોર સામે ચૂંટણી લડ્યાં હતાં અને 15,601 મતથી હારી ગયા હતા. ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂકેલા સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી છે. તેઓ 2019માં બનાસકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. તેમને 48,634 મત મળ્યા હતા.
લોકસભા ચૂંટણી 2024માં રાજ્યમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું હતું. જેમાં 26માંથી બે બેઠક ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી લડી હતી. જ્યારે બાકીની તમામ 24 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા હતા. જો કે સુરત બેઠક બિનહરીફ થતા કોંગ્રેસે 23 બેઠકો પર ચૂંટણી લડી હતી. લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર વાવના ધારાસભ્ય રહેલા ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી. ગુજરાતની 26 બેઠકોમાંથી એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી, જે બનાસકાંઠા બેઠક છે.







