અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતી હોસ્પિટલ વિવાદમાં આવી છે. થોડા દિવસ પહેલા કડીના બોરીસણા ગામમાં હેલ્થ ચેકઅપ કર્યું હતું અને ત્યારબાદ દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં બે દર્દીના મોત નીપજતાં ગ્રામજનો દ્વારા હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી છે. બનાવને પગલે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
સમાચારો મુજબ બે દર્દીના મૃત્યુ થયા છે અને પાંચ જેટલા દર્દીઓ અત્યારે આઈસીયુની અંદર જીવન અને મરણ વચ્ચે જોકા ખાઈ રહ્યા છે અને સારવાર લઈ રહ્યા છે. દર્દીઓનો સગાનો આક્ષેપ છે કે, તેમના સગાઓને એનજીઓપ્લાસ્ટિ કરવાની કોઈ જ જરૂર ન હતી, છતાં પણ તેમને એન્જોપ્લાસ્ટિ કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ બેદરકારીના કારણે તેમના મોત થયા છે. વળી આ દર્દીઓના આયુષ્યમાન કાર્ડના ખાતામાંથી રૂપિયા પણ કપાઈ ગયા છે, તેવી પ્રાથમિક માહિતી મળેલ છે.
ઘટના ખૂબજ ગંભીર, તપાસના આદેશ અપાયાઃ ઋષિકેશ પટેલ
ખ્યાતી હોસ્પિટલમાં બનેલી ઘટના અંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છેકે, ખ્યાતી હોસ્પિટલમાં બનેલી કથિત ઘટના ખૂબ જ ગંભીર છે. મે PMJAY ના સ્ટેટ એન્ટિ-ફ્રોડ યુનિટ (SAFU) દ્વારા તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો છે. જો તબીબી બેદરકારીના આક્ષેપો અથવા પુરાવામાં કોઈ તથ્ય હશે તો હોસ્પિટલ અને સંડોવાયેલા ડોકટરો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.
કોંગ્રેસે લગાવ્યા ગંભીર આરોપ
હેમાનગ રાવળે કહ્યું કે, આજે સમાચાર મળ્યા છે કે કડીના 19 દર્દીઓને મેડિકલ કેમ્પમાંથી અમદાવાદ ખ્યાતી હોસ્પિટલ ખાતે એનજીઓગ્રાફી કરવા માટે લાવવામાં આવ્યા હતા અને દર્દીઓની સગાની ફરિયાદ મુજબ તેઓને કોઈપણ જાતની જાણ કર્યા સિવાય કે તેમની કોઈપણ જાતની પૂર્વ મંજૂરી લીધા સિવાય સીધે સીધુ સ્ટેન્ડ નાખવાનું ઓપરેશન એટલે કે એનજીઓપ્લાસ્ટિ કરી નાખવામાં આવી હતી. સમાચારો મુજબ બે (2) દર્દીઓના મૃત્યુ થયા છે અને પાંચ (5) જેટલા દર્દીઓ અત્યારે આઈસીયુની અંદર જીવન અને મરણ વચ્ચે જોકા ખાઈ રહ્યા છે અને સારવાર લઈ રહ્યા છે.એન્જોપ્લાસ્ટિ કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ બેદરકારીના કારણે તેમના મોત થયા છે. વળી આ દર્દીઓના આયુષ્યમાન કાર્ડના ખાતામાંથી રૂપિયા પણ કપાઈ ગયા છે તેવી પ્રાથમિક માહિતી મળી છે. ગુજરાતમાં મેડિકલ માફિયાઓ બેફામ થયા છે એક તરફ સારા અને સેવાભાવી ડોક્ટરો નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે ત્યારે આવા મેડિકલ માફીઆઓ નિષ્ઠાભાવી અને સેવાભાવી ડોક્ટરોની શાખ દાવ પર લગાવી રહ્યા છે.
પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ આપ્યું મોટું નિવેદન
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં મને માહિતી મળી હતી કે કડીના બોરીસણા ગામમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતાં. જરૂરિયાત લોકો આ કેમ્પમાં ગયા હતાં. આ હોસ્પિટલ દ્વારા અમુક દર્દીઓને પસંદ કરીને તેઓના મા યોજનાનું કાર્ડ અને આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ તૈયાર રાખજો અને આવતી કાલે તમને અમારી હોસ્પિટલમાંથી બસ મોકલી તમને અમદાવાદ હોસ્પિટલ લઈ જઈશું, તેવું જણાવ્યું હતું. ગઈકાલે 19થી 20 દર્દીઓને અહીં હોસ્પિટલ લાવવામાં આવ્યા હતાં અને મોટા ભાગના દર્દીઓને સીધા હૃદય રોગના દર્દીઓ ગણીને એમની એન્જિયોગ્રાફિ કરવામાં આવી. કેટલાંકની એન્જિયોપ્લાસ્ટી પણ કરી દેવામાં આવી હતી. આ પ્રકારની સારવાર માટે હોસ્પિટલે પહેલા પરમિશન લેવાની હોય છે અને ઓનલાઈન મંજૂરી લેવામાં પણ સમય લાગતો હોય છે. પહેલી નજરે જોતા લાગે છે કે, જરૂરિયાત વગરના બિનજરૂરી ઓપરેશન કરવામાં આવ્યા છે. આ પ્રકારના કેસમાં નિષ્ણાંત ડોક્ટરોનો અભિપ્રાય લેવો જોઈએ.
ખ્યાતિ હોસ્પિટલે આર્થિક લાભ માટે આ કાંડ કર્યો હોવા અંગે તેઓએ જણાવ્યું કે, સારી, પ્રતિષ્ઠિત, સેવાભાવી હોસ્પિટલો પણ ગુજરાતમાં છે, જેમાં દર્દીઓ સારી સારવાર મેળવે છે. તો કેટલીક આંગળીના વેઢે ગણાઈ તેવી ધંધાદારી હોસ્પિટલો પણ ગુજરાતમાં છે.