આવતીકાલથી એટલે કે રવિવારથી ડિસેમ્બરની શરૂઆત થશે. દર મહિનાની જેમ ડિસેમ્બર મહિનામાં પણ ઘણા નવા ફેરફારો થશે, જેની અસર તમારા ખિસ્સા પર પણ પડશે. 1 ડિસેમ્બરે ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે, જેનાથી દેશભરના પરિવારોના રોજિંદા જીવન અને નાણાંકીય બાબતો પર અસર પડશે. આગામી ડિસેમ્બર મહિનામાં ઘણા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે જેમાં એલજીપી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર અને SBI ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફારનો સમાવેશ થાય છે.
એલપીજીના ભાવમાં ફેરફાર
ઓઈલ માર્કેટિંગ કંપની દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરી શકે છે. આની અસર સ્થાનિક દરો પર પડી શકે છે. આ ફેરફારો આંતરરાષ્ટ્રીય બજારના વલણો અને નીતિઓથી પ્રભાવિત છે, જે સંભવિતપણે સ્થાનિક બજેટને અસર કરશે. 1 ડિસેમ્બરથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે. નવેમ્બરની શરૂઆતમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો હતો.
આધાર કાર્ડ ફ્રી અપડેટ
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધાર વિગતોના ફ્રી અપડેટ માટે સમયમર્યાદા લંબાવી છે. આધાર કાર્ડ ધારકો હવે 14 ડિસેમ્બર સુધી ઓનલાઈન પ્રક્રિયા દ્વારા કોઈપણ ફી વગર તેમનું નામ, સરનામું અથવા જન્મ તારીખ અપડેટ કરી શકશે. જો કે, આ તારીખ પછી કરવામાં આવેલા અપડેટ્સ માટે પ્રોસેસિંગ ફી વસૂલવામાં આવશે.
ક્રેડિટ કાર્ડ નિયમો
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. બેંક 1 ડિસેમ્બરથી ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરી રહી છે. SBI હવે ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ પર વ્યવહારો માટે ઉપયોગમાં લેવાતા ક્રેડિટ કાર્ડ પર રિવોર્ડ પોઈન્ટનો લાભ આપશે નહીં. આ ઉપરાંત, 1 ડિસેમ્બરથી, HDFC બેંક તેના રેગાલિયા ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ માટે લાઉન્જ એક્સેસ નિયમોમાં પણ ફેરફાર કરી રહી છે.
વિલંબિત ITR ફાઇલિંગ
જે વ્યક્તિઓ નાણાકીય વર્ષ 2023-24 (FY24) માટે 31 જુલાઈની સમયમર્યાદા સુધીમાં તેમનું આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવામાં નિષ્ફળ રહી હોય તેઓ પાસે હજુ પણ ડિસેમ્બર સુધી તેમનો ITR સબમિટ કરવાની તક છે. પ્રારંભિક સમયમર્યાદા ચૂકી ગયેલા લોકો હવે 31 ડિસેમ્બર સુધી પેનલ્ટી ફી સાથે વિલંબિત ITR ફાઇલ કરી શકે છે. તમને જણાવી દઈએ કે લેટ ફી 5,000 રૂપિયા છે. 5 લાખથી ઓછી આવક ધરાવતા કરદાતાઓ માટે આ લેટ ફી ઘટાડીને રૂ. 1,000 કરવામાં આવી છે.
ટ્રાઈના નવા નિયમો
1 ડિસેમ્બર, 2024 ના રોજ, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) સ્પામ અને ફિશિંગ સંદેશાને ઘટાડવાના હેતુથી નવા ટ્રેસીબિલિટી નિયમો લાગુ કરશે. જો કે, આ નિયમો અસ્થાયી રૂપે OTP સેવાઓને અસર કરી શકે છે. ટ્રાઈએ સ્પષ્ટ કર્યું છે કે નિયમો લાગુ થયા બાદ OTP ડિલિવરીમાં કોઈ વિલંબ થશે નહીં. ટ્રાઈએ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “ટ્રાઈએ ખાતરી આપી છે કે મેસેજ ટ્રેસેબિલિટી મેન્ડેટથી મેસેજ અને OTPની ડિલિવરીમાં વિલંબ થશે નહીં.”
માલદીવ જવું મોંઘુ પડશે
માલદીવ આવતા મહિનાથી તેની ડિપાર્ચર ફીમાં વધારો કરી રહ્યું છે. સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળો પૈકીનું એક માલદીવ પ્રવાસીઓ પાસેથી વસૂલવામાં આવતી ફીમાં વધારો કરી રહ્યું છે. ઇકોનોમી ક્લાસના મુસાફરો માટેની ફી $30 (રૂ. 2,532) થી વધીને $50 (રૂ. 4,220) થશે, જ્યારે બિઝનેસ ક્લાસના મુસાફરોની ફી $60 (રૂ. 5,064) થી વધીને $120 (રૂ. 10,129) થશે. પ્રથમ વર્ગના મુસાફરોએ $90 (રૂ. 7,597) થી $240 (રૂ. 20,257) અને ખાનગી જેટના મુસાફરોએ $120 (રૂ. 10,129) થી $480 (રૂ. 40,515) ચૂકવવા પડશે.
એટીએફના ભાવમાં ફેરફાર
1 ડિસેમ્બરથી એર ટર્બાઇન ઇંધણના ભાવમાં પણ ફેરફાર થઇ શકે છે. આવી સ્થિતિમાં ફ્લાઇટ ટિકિટના ભાવ પર અસર પડી શકે છે.