અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયાને લઈ અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામે લેટર વાયરલ થયો હતો. જેને લઈને કિશોર કાનપરીયાના લેટરહેડ પર ધારાસભ્ય કૌશીક વેકરીયા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારે આ મુદ્દે તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાએ પોલીસ ફરિયાદ આપી હતી. જેને લઈ ગણતરીના કલાકોમાં પોલીસે સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો છે. સમગ્ર કૌભાંડમાં ભાજપના જ આગેવાનો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામે લેટર વાયરલ મામલે ભાજપના જ આગેવાનો હોવાનો ઘટસ્ફોટ થતાં ખળભળાટ મચ્યો છે. લેટર વાયરલ કરવા મામલે પોલીસે એક મહિલા સહિત ચાર લોકોને ઝડપી પાડયા છે. મુખ્ય આરોપી તરીકે અમરેલી તાલુકા યુવા ભાજપના પ્રમુખ મનિષ વધાસિયા હોવાનું સામે આવ્યું છે. અન્ય ત્રણ આરોપીઓ પૈકી જશવંતગઢ ગામના સરપંચ અશોક માંગરોળીયાનું નામ સામે આવ્યું છે. આ ઉપરાંત જશવંતગઢના જ જીતુભાઈ ખાત્રા અને વિઠ્ઠલપૂર ખંભાળિયાના પાયલબેન ગોટીને પકડી પાડયા છે. તમામ આરોપીઓને ઝડપી લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે પત્રકાર પરિષદમાં આપી માહિતી
અમરેલી ભાજપમાં ચાલતી આંતરિક લડાઈ જાહેરમાં આવી છે. ભાજપના ધારાસભ્ય અને વિધાનસભામાં નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાને બદનામ કરવા માટે ભાજપના જ કાર્યકરોએ કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે. આ પહેલા પણ અમરેલીમાં લોકસભાની ચૂંટણીમાં વિવાદનો વંટોળ સામે આવ્યો હતો.







