ધારીના ચલાલા નજીક ખાનગી બસ પલ્ટી: 18 મુસાફરો ઇજાગ્રસ્ત…

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા નજીક ગત મોડી રાત્રે થયેલી ગંભીર બસ અકસ્માતની ઘટનામાં 18 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. હરિ દર્શન નામની ખાનગી બસ ઉનાથી અમદાવાદ જતી હતી ત્યારે અચાનક રસ્તા પરથી બેકાબૂ થઈ પલ્ટી મારી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર બસમાં કુલ 30 જેટલા મુસાફરો સવાર હતા. અકસ્માતના તરત બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં સહાયરૂપ બન્યા હતા.ઘાયલ મુસાફરોને તાત્કાલિક ચલાલા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી પાંચથી વધુ લોકોને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. કેટલીક ઈજાઓ ગંભીર હોવાથી તબીબી ટીમ સતત દેખરેખ રાખી રહી છે.

સ્થાનિક નેતાઓ ઘટના સ્થળે પહોંચ્યા
અકસ્માતની જાણ થતાં જ ધારીના ધારાસભ્ય જે.વી. કાકડીયા અને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી ચાલાલા હોસ્પિટલ ખાતે પહોચ્યા હતા અને ઈજાગ્રસ્તોની સ્થિતિ અંગે માહિતગાર થયા હતા.