અશોક મણવર, અમરેલી/ ગુજરાતના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે ચણા અને રાયડાની ટેકાના ભાવથી ખરીદી કરવામાં આવે છે. ચણાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ રુ. ૫,૬૫૦ ભાવ નિયત કરવામાં આવ્યા છે. આ મુજબ મણ દીઠ ટેકાનો ભાવ રુ.૧,૧૩૦ છે. ધારી ખેત ઉત્પન્ન બજાર સમિતિ (માર્કેટિંગ યાર્ડ) ખાતે ધારી ખેડૂત કૃષિ ઉત્પાદન અને પ્રોસેસીંગ સહકારી મંડળી લી. (એફ.પી.ઓ) દ્વારા ચાલુ રવી ઋતુમાં અત્યારસુધીમાં ૧૩,૬૮,૪૦૦ મણ ચણાની ખરીદી કરવામાં આવી છે. ધારી તાલુકામાં ગતરોજ સુધીમાં ૮૪૯ ખેડૂતોએ ચણાના ટેકાના ભાવનો લાભ લીધો હતો. ટેકાના ભાવથી ચણાની ખરીદી અંતર્ગત ખેડૂતોના ખાતામાં કુલ રુ.૭.૭૩ કરોડથી વધુ રકમ સીધી જ (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) જમા કરવામાં આવી હતી.
ચાલુ રવી ઋતુમાં ધારી તાલુકામાં ચણાની જણસીના ટેકાના ભાવથી વેચાણ માટે ૪,૨૯૭ ખેડૂતોએ નોંધણી કરાવી છે. ધારી ખેડૂત કૃષિ ઉત્પાદન અને પ્રોસેસીંગ સહકારી મંડળી લી.ચેરપર્સન ભાવનાબેન ગોંડલિયાએ જણાવ્યુ કે, આ વર્ષે ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે ચણાની આવક જિલ્લાના અન્ય માર્કેટિંગ યાર્ડ કરતાં વધુ છે. ખેડૂતોને કોઈપણ પ્રકારની હાલાકીનો સામનો ન કરવો પડે અને ખેડૂતોને તેમની જણસીના વેચાણની કુલ રકમ સમયસર ઝડપથી મળે તેવી આગવી વ્યવસ્થા આ એફ.પી.ઓ. દ્વારા કરવામાં આવી છે.
ધારી ખેત ઉત્પન્ન બજાર સમિતિ (માર્કેટિંગ યાર્ડ) ખાતે ટેકાના ભાવથી ચણાનું વેચાણ કરવા માટે આવેલ ધારગણીના ખેડૂત વિનુભાઈ ડોબરીયાએ જણાવ્યુ કે, બજારમાં ચણાનો મણદીઠ ભાવ કુલ રુ. ૮૫૦ થી રુ. ૯૫૦ સુધી છે. જ્યારે સરકાર અમને ટેકાના ભાવે ચણાનો મણ દીઠ ભાવ કુલ રુ.૧,૧૩૦ આપે છે, અમને બજાર કરતા વધુ સારા પોષણક્ષમ ભાવ મળે છે. ટેકાના ભાવ માટે અમે સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ.
ધારી ખેડૂત કૃષિ ઉત્પાદન અને પ્રોસેસીંગ સહકારી મંડળી લી. દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી એફ.પી.ઓ. તરીકે કામગીરી કરવામાં આવી રહી છે. આ મંડળીમાં ૧,૮૦૦ જેટલા ખેડૂતો સભાસદ તરીકે જોડાયા છે. મંડળીના કસ્ટમ હાયરીંગ સેન્ટર ખાતે ડ્રોનથી લઈને તમામ પ્રકારના આધુનિક સાધનો ઉપલબ્ધ છે, જેનો લાભ ખેડૂતો રુ.૧૦૦ના નજીવા ટોકન દરે લઈ રહ્યા છે. ખેડૂતોને સભાસદ બનવાની સાથે શરુઆતથી જ ૨૦ ટકા ડિવિડન્ડ આપવામાં આવે છે.
આ એફ.પી.ઓ.ને છેલ્લા ત્રણ વર્ષમાં નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ સોસાયટી અંતર્ગતની કુલ રુ. ૩૩ લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત મૂલ્યવર્ધન સુવિધાઓ વિકસાવવા (વેલ્યુ એડીશન) માટે ક્લીનીંગ, શોર્ટેક્ષ અને પેકેજિંગ માટે કેન્દ્ર સરકાર દ્વારા રુ. ૨ કરોડની સબસિડી આપવામાં પણ આવી છે.