જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે પોતાનું વલણ કડક બનાવ્યું છે. પહેલગામની બૈસરન ખીણમાં આતંકવાદીઓ દ્વારા 26 પ્રવાસીઓની હત્યા કરવામાં આવી હતી. આ હુમલા બાદ, નરેન્દ્ર મોદી સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે આ હુમલાના ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં. અમિત શાહે ગુરુવારે ચેતવણી પણ આપી હતી કે આ કાયરતાપૂર્ણ હુમલો કરનારાઓ પાસેથી પસંદગીપૂર્વક બદલો લેવામાં આવશે. ભારતની આ ચેતવણીઓ પછી, પાકિસ્તાનને હુમલાનો ડર લાગવા લાગ્યો. પણ પહલગામ હુમલાના તાર શું અમરેલીના ધારી સાથે જોડાયેલા છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કેમ કે ધારીના મદ્રેસાના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે.

જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. ત્યારે અમરેલી SOGએ એક શંકાસ્પદ મૌલાનાને ઉઠાવીને પૂછપરછ શરૂ કરી છે. જેમાં તેના વોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સાત જેટલા શંકાસ્પદ ગ્રુપ મળતાં પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે.

મૌલાનાએ કોઇ આધાર પુરાવા રજૂ ન કર્યા
આ અંગે મળતી માહિતી મુજબ ગેરકાયદેસર વસવાટ કરતા લોકોની તપાસમાં ધારીના હિમખીમડીપરાના મદ્રેસામાં ભણાવતા મૌલાના મોહમદફઝલ અબ્દુલઅઝિઝ શેખ પર SOGને શંકા ગઇ હતી. જેથી તેના આધાર પુરાવા માગ્યા હતા. જોકે, મૌલાનાએ કોઇ આધાર પુરાવા રજૂ ન કરતાં SOGએ ધારી પોલીસ મથકે લાવીને તેની પૂછપરછ કરતાં તે મૂળ અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનો ખુલાસો થયો છે.

પાક-અફઘાનના 7 વોટ્સએપ ગ્રુપ મળ્યા
પોલીસે મૌલાના મોહમદફઝલ અબ્દુલઅઝિઝ શેખ સામે જાણવાજોગ દાખલ કરીને તેનો મોબાઇલ કબ્જે લઇને મોબાઇલની ઊંડાણ પૂર્વક તપાસ કરતાં મોબાઇલમાંથી સાત પાકિસ્તાન અને આફઘાનિસ્તાનના ગ્રુપ મળી આવ્યા છે. જેની પોલીસ હાલ તપાસ કરી રહી છે. આ કેસની તપાસ SOGના PI આર.ડી.ચૌધરી ચલાવી રહ્યા છે.

હાલ પૂછપરછ ચાલુ છે: SP
આ અંગે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું છે કે, મૌલાનાની શંકાસ્પદ પ્રવૃતિઓ લાગતા તેની અટકાયત કરીને પૂછપરછ કરતા તેનું પાકિસ્તાની કનેક્શન હોવાનું લાગી રહ્યું છે. જોકે, હજી તેની પૂછપરછ ચાલુ છે. આ મૌલાના પાકિસ્તાની કનેક્શન ધરાવે છે કે કેમ તે તેની તપાસ બાદ સામે આવશે.