અમરેલીનો પાકિસ્તાન કનેક્શન ધરાવતો મૌલાનાને ATSને સોંપ્યો, તપાસમાં થઈ શકે છે મોટા ખુલાસા…

અમરેલી: ધારી તાલુકાના હિમખીમડીપરાની મદ્રેસામાં ભણાવતા મૌલાનાની ગઇકાલે અમરેલી SOGએ અટકાયત કરી હતી. તેની તપાસ કરતાં મૌલાનાના મોબાઇલમાંથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનાં સાત જેટલાં વ્હોટ્સએપ ગ્રુપની ચેટ મળી આવી હતી. એને લઇને અમરેલી SOG દ્વારા મૌલાનાને ATSને સોંપ્યો છે.

અમરેલી SOGની ટીમ ગેરકાયદે વસવાટ કરતા લોકોની તપાસ કરતી ત્યારે ધારીના હિમખીમડીપરાના મદ્રેસામાં ભણાવતા મૌલાના મોહંમદફઝલ શેખ પર SOGને શંકા ગઇ હતી. જોકે મૌલાનાએ કોઇ આધાર પુરાવા રજૂ ન કરતાં SOGએ ધારી પોલીસ મથકે લાવીને તેની પૂછપરછ કરતાં તે મૂળ અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે તેનો મોબાઇલ કબજે લઇને મોબાઇલની ઊંડાણપૂર્વક તપાસ કરતાં એમાંથી સાત જેટલાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનાં ગ્રુપ મળ્યાં હતાં. પોલીસે તપાસ કરતાં આ તમામ ગ્રુપનું સંચાલન પાકિસ્તાનથી કરવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયો હતો અને ગ્રુપના સભ્ય તરીકે મૌલાનાને જોડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ ગ્રુપના તમામ સભ્યો પાકિસ્તાન અને બાંગ્લાદેશના જોવા મળ્યા હતા, જેમા મોટા પ્રમાણમાં અરબી ભાષામા મેસેજની આપ-લે થતી હતી. પોલીસે આ મેસેજનું ભાષાંતર કરાવ્યું હતું.

તપાસનો ધમધમાટ શરૂ 

પહેલગામ હુમલા વખતે કે એ પહેલાંના સમયમાં થયેલા કોઇ મેસેજ ડિલિટ કરવામાં આવ્યા છે કે કેમ ? એની તપાસ માટે મૌલાનાને ATSને સોંપવામાં આવ્યો છે. બીજી તરફ મદ્રેસાની જગ્યા કાયદેસર છે કે ગેરકાયદે એની ચકાસણી કરવા રેવન્યુ વિભાગના અધિકારી મદ્રેસા પહોંચ્યા હતા. નકશા અને પુરાવાની તપાસ કરવામાં આવી છે. બાંધકામ કેટલા સમય છે એની તપાસ કરાઈ રહી છે.