રાજ્યમાં જૂન મહિનામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે પણ એ પહેલા હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી વરસાદની ગતિ ધીમી પડશે. 30 મેથી લઈને આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને આગાહી કરી છે. રાજ્ય તરફ વરસાદ આપતી બે વરસાદી સિસ્ટમ, જેમાં વરસાદી ટ્રફલાઇન પસાર થતી હોવાથી અને અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે,
રાજ્યમાં આજે સૌરાષ્ટ્રના ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર જ્યારે દક્ષિણ ગુજરાતના તાપી, સુરત, ભરૂચ,નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠામાં છૂટાછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
દેશમાં નૈઋત્યના ચોમાસાનું સમય પહેલા આગમન થઇ ચૂક્યું છે. હાલ ચોમાસું કર્ણાટક અને મહારાષ્ટ્રના કેટલાક ભાગો સુધી પહોંચી ચૂક્યું છે. મહારાષ્ટ્રમાં મોન્સૂન પહોંચ્યું તે સાથે જ દક્ષિણ ગુજરાતમાં વરસાદની ગણતરીઓ મંડાવા લાગી છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.
પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, થોડા દિવસ અગાઉ અરબ સાગરની અંદર એક સિસ્ટમ સક્રિય હતી, જેના પરિણામે કેરળ, કર્ણાટક, ગોવા, કોંકણ અને મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું છે. હાલ અરબ સાગરમાં બીજી કોઈ નવી સિસ્ટમ નથી બની રહી. આથી આગામી એકાદ દિવસમાં અત્યારે જે સિસ્ટમ છે, તે નિષ્ક્રિય થઈ જવાથી ચોમાસું પણ નિષ્ક્રિય થઈ જશે. જેના પરિણામે ગુજરાતમાં ચોમાસાનું આગમન પણ મોડું થશે. મહારાષ્ટ્રમાં ચોમાસું નિષ્ક્રિય થવાથી મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઇ છે. જેના કારણે ગુજરાતમાં ચોમાસું આવતા હજુ ઘણી વાર લાગશે. એટલે કે અગાઉ 10 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે તેવું કહેવાતું હતુ. પરંતુ હવે આપણે 15 જૂનની આસપાસ આશા રાખી શકીએ છીએ.