વર્ષ ૧૯૮૦માં દિલીપસિંહ હિંમતસિંહ સોલંકી ધારીના વનવિભાગમાં RFO (રેન્જ ફોરેસ્ટ ઑફિસર) તરીકે ફરજ બજાવતા હતા. તેમનો જન્મ ૨૨ એપ્રિલ ૧૯૫૫ ના રોજ લુણાવાડા ખાતે થયો હતો. વન અને વન્ય પ્રાણીઓ પ્રત્યે તેમની ઊંડી લાગણી અને આદર હતો, અને તેઓએ તેમને બચાવવા માટે અથાક પરિશ્રમ કર્યો.

પરંતુ ૧ જૂન ૧૯૮૧ નો દિવસ દુઃખદ બની ગયો. સાંજે આઠ વાગ્યે, તેઓ ધારીથી અમરેલી તરફ પોતાની “રાજદૂત” ગાડીમાં જતા હતા. તે સમયે ધારી-અમરેલી રોડ પર ચોર-લૂંટારાઓનો આતંક છવાયેલો હતો. ધારીથી નીકળી, તેઓ *મોરજર ગામ* નજીક પહોંચ્યા ત્યારે બે લૂંટારાઓએ તેમને રોકી દીધા. તેમના કાળા રંગના થેલા પર નજર ગડાવી, લૂંટારાઓએ તે જપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. પણ દિલીપસિંહે સામો પ્રતિકાર કર્યો. ત્યારે એક લૂંટારાએ તેમની પીઠ પર ગોળી માર*. લોહીથી લથબથ થઈને દિલીપસિંહ ત્યાં જ પડી ગયા. લૂંટારાઓ ભાગી ગયા, અને થોડી જ વારમાં લોહી વહી જવાથી તેમણે અંતિમ શ્વાસ લીધા.

તેમની વન અને વન્યજીવ પ્રત્યેની નિષ્ઠા અને સેવાને સન્માનતા, *ધારી વનવિભાગે ૧૯૮૨માં તે જ સ્થળે “શહીદ સ્મારક” નામનું મંદિર બનાવ્યું*. ત્યારથી દર વર્ષે તેમની પુણ્યતિથિએ, વનવિભાગના કર્મચારીઓ મંદિરની સફાઈ, રંગકામ કરે છે અને દીવા પ્રગટાવી, શહીદને સલ્યુટ કરે છે.

વર્ષ ૨૦૨૨ની પુણ્યતિથિના દિવસે, અમે ત્યાં હાજર હતા ત્યારે બે મહિલા પોલીસ અધિકારીઓ મંદિર પર પ્રાર્થના કરતી હતી. અમે જિજ્ઞાસાથી પૂછ્યું: “તમે દિલીપસિંહ વિશે શું જાણો છો?”

તેમણે જણાવ્યું: “થોડા સમય પહેલાં, અમે સાંજે અમરેલીથી ધારી ફરતા પોતાની ગાડીમાં જતા હતા. આ જ સ્થળે અમને કેટલાક સિંહોએ રોકી દીધા. મહિલા હોવાને કારણે અમે ઘણા ડરી ગયા. ત્યાં અચાનક મંદિર તરફથી ખાકી વનવિભાગની યુનિફોર્મ પહેરેલ અને હાથમાં લાકડી લઈને એક ભાઈ બહાર આવ્યા. તેમણે સિંહોને અવાજ કર્યો, અને તુરંત જ તમામ સિંહો જંગલ તરફ ચાલ્યા ગયા. પછી તે પુરુષ પણ મંદિર તરફ ચાલ્યા ગયા.”

બીજા દિવસે, જ્યારે તે મહિલા પોલીસે ફરી આ સ્થળે વાહન રોકીને જોયું, ત્યારે તેમને જાણવા મળ્યું કે આ મંદિર દિલીપસિંહ હિંમતસિંહ સોલંકી નામના વન અધિકારીનું છે. તેથી તેઓ આજે તેમને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા.

 

 

ધારી ગામ અને ધારી વનવિભાગ દ્વારા આવા નિષ્ઠાવાન અધિકારીને આપવામાં આવતું આ સન્માન, દરેક માટે પ્રેરણાદાયી છે.

આલેખન : ચાવડા નિહાર મનીષભાઈ

સિમ્બા રેસ્ક્યુ ગ્રુપ- ધારી