કરોડોના બિટકોઈન કૌભાંડના વમળમાં ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા ફસાયા છે. રાજ્યમાં રાજકીય ભૂકંપ સર્જનાર બિટકોઈન કૌભાંડમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ સેશન્સ કોર્ટે તત્કાલિન અમરેલીના પોલીસ અધિક્ષક (SP) જગદીશ પટેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અનંત પટેલ સહિત 14 લોકોને દોષિત ઠેરવ્યા અને આજીવન કેદની સજા સંભળાવી છે.

તત્કાલીન અમરેલી જિલ્લા પોલીસવડા જગદીશ પટેલ, તત્કાલીન અમરેલી LCB પીઆઇ અનંત પટેલ, તત્કાલીન CBI ઈન્સ્પેક્ટર સુનીલ નાયર, કિરીટ પાલડિયા, વકીલ કેતન પટેલ, પોલીસકર્મચારીઓ તેમજ પૂર્વ BJP MLA નલિન કોટડિયા સહિત 15 લોકોની ધરપકડ થઈ હતી, જેમાંથી એકમાત્ર જતીન પટેલનો નિર્દોષ છુટકારો થયો છે. આ ચુકાદા અંગે આરોપીઓના વકીલ પરેશ વાઘેલાએ જણાવ્યું કે, ચુકાદાનો અભ્યાસ કરીને હાઇકોર્ટમાં અપીલ કરાશે.પોલીસ અધિકારીઓએ શૈલેષ ભટ્ટનું અપહરણ કરી 200 બિટકોઈન પડાવી 32 કરોડ ખંડણી માગી હતી. ઉલ્લેખનીય છે કે, નલિન કોટડિયા 2012માં GPPમાંથી ધારી બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા.

શું છે મામલો?
2018માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું ગાંધીનગરમાંથી અપહરણ કરી તેમને એક ફાર્મ હાઉસમાં ગોંધી રાખી બિટકોઇન લૂંટી લેવાનો અમરેલી પોલીસ પર આરોપ મૂકવામાં આવ્યો હતો. કેતન પટેલ અને પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને જાણકારી મળી હતી કે સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ અને તેમના સાથીઓએ સુરતના ધવલ માવાણી પાસેથી 150 કરોડના બિટકોઇન લૂંટી લીધા છે. એના આધારે નલિન કોટડિયા, કેતન પટેલ અને કિરીટ પાલડિયાએ મિટિંગ કરી શૈલેષ ભટ્ટને લૂંટવાની યોજના બનાવી હતી. એમાં સૌથી પહેલા સીબીઆઈ ઈન્સ્પેકટર સુનીલ નાયર દ્વારા પાંચ કરોડ રોકડા લઈ લેવાયા હતા. ત્યાર બાદ અમરેલી પોલીસ સાથે મળી બાર કરોડના બિટકોઇન લઈ લીધા હતા. આ મામલે ફરિયાદ થતાં સીઆઈડીએ ક્રાઇમે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી.

આ દોષિતો સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધાયો હતો. આ કેસ અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે આવેલી ACBની વિશેષ અદાલતમાં ચાલ્યો હતો. સરકારે વિશેષ સરકારી વકીલ તરીકે અમિત પટેલની નિમણૂક કરી હતી. શૈલેષ ભટ્ટની અરજી પર ઉચ્ચ પોલીસ અધિકારી અને CBI ઇન્સ્પેકટર સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી.

નલિન કોટડિયાનો શું રોલ?
આ સમગ્ર કૌભાંડમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની સંડોવણી સામે આવી હતી. સમગ્ર ઘટનામાં નલિન કોટડિયાની ભૂમિકા “ફિક્સર” તરીકેની હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં તેમનું નામ બહાર આવ્યા બાદ તેઓ લાંબા સમય સુધી પોલીસની પકડમાંથી ફરાર રહ્યા હતા. લાંબો સમય ફરાર રહ્યા બાદ, CID ક્રાઈમે તેમના વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ અને જાહેરનામું બહાર પાડ્યું હતું. આખરે, તેમને મહારાષ્ટ્રના ધુલિયા પાસેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ, કોર્ટમાં તેમના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. ઘણા સમય પછી, મે 2019માં ગુજરાત હાઇકોર્ટે તેમને અમુક શરતી જામીન આપ્યા હતા.

ભારતમાં નોટ બંધી બાદ લોકોએ ક્રિપ્ટો કરન્સીમાં રૂપિયા રોકવાનું શરૂ કર્યું હતું. ત્યારે સુરતમાં બીટ કનેક્ટ નામની કંપનીએ ક્રિપ્ટો કરન્સીમાં લોકોએ રૂપિયાનું રોકાણ તે સમયે શરૂ કર્યું હતું. તે પૈકી બિલ્ડર શૈલેષ ભટ્ટે પણ પોતાની કમાણી તેની અંદર રોકી હતી પરંતુ આ કંપનીએ તાળા મારી દીધા હતા અને લોકોના પૈસા ડૂબ્યા હતા. જેને લઈને શૈલેષ ભટ્ટે પોતાના મળતિયાઓને સાથે રાખીને બીટ કનેક્ટ લિમિટેડના કર્મચારી અને હોદ્દેદારનું અપહરણ કર્યું હતું અને તેમની પાસેથી બીટકોઈન, લાઈટ કોઈન તેમજ કરોડો રૂપિયા પડાવી લીધા હતા. તે સમયે કેટલાક પોલીસ અધિકારીઓએ શૈલેષ ભટ્ટને પકડીને તેની પાસેથી પણ તોડ કર્યો હોવાનું અને તેમાં પૂર્વ MLA નું નામ પણ તે સમયે ગાજ્યું હતું.

શૈલેષ ભટ્ટનું અપહરણ કરનાર આરોપી પોલીસ કર્મચારીઓ સામે અને પૂર્વ MLA નલિન કોટડિયા સામે CID ક્રાઈમ ગાંધીનગર ખાતે ફરિયાદ નોધાઇ હતી. તેઓ સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધાયો હતો. આ કેસ અમદાવાદની સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે આવેલ ACB ની વિશેષ અદાલતમાં ચાલ્યો હતો. સરકારે વિશેષ સરકારી વકીલ તરીકે અમિત પટેલની નિમણૂક કરી હતી.

શૈલેષ ભટ્ટની અરજી ઉપર ઉચ્ચ પોલીસ અધિકારી અને CBI ઇન્સ્પેકટર સામે સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી. શૈલેષ ભટ્ટ ઉપર આક્ષેપ છે કે તેને 2257 બિટકોઇન, લાઈટ કોઇન અને 14.5 કરોડ રૂપિયા વાપર્યા છે અથવા સંતાડ્યા છે. શૈલેષ ભટ્ટે બીટ કનેક્ટ કંપનીના હોદ્દેદારો અને કર્મચારીઓને કિડનેપ કરીને 2021 બીટકોઈન, 11000 લાઈટ કોઈન અને 14.5 કરોડ રૂપિયાની ખંડણી મેળવી હતી.

શૈલેષ ભટ્ટે બીટ કનેક્ટ કંપનીમાં આશરે 1.14 કરોડ રૂપિયા ડૂબી જતા તેને પ્લાન બનાવીને કંપનીના હોદ્દેદારો અને કર્મચારીઓનું અપહરણ કરીને બીટકોઈન, લાઈટ કોઈન તેમજ રોકડા રૂપિયા પડાવ્યા હતા. શૈલેષ ભટ્ટે તે સમયના અમરેલીના SP જગદીશ પટેલ અને કેટલાક પોલીસ ઓફિસરો સામે ફરિયાદ નોંધાવેલી. જેમાં તેને જણાવ્યું હતું કે તેનું કિડનેપ કરીને તેની પાસેથી 176 બિટકોઇન પડાવી લેવામાં આવ્યા હતા. શૈલેષ ભટ્ટે બીજી ફરિયાદ CBI ના પોલીસ ઇન્સ્પેક્ટર સુનિલકુમાર વિરુદ્ધ કરી હતી. જેને અરજદારને ED અને આઈકર વિભાગની બીક બતાવીને દસ કરોડ રૂપિયાની લાંચ માગી હતી. જેની ડીલ 05 કરોડમાં નક્કી થઈ હતી અને 4.60 કરોડ ચૂકવવામાં આવ્યા હતા.