બગસરા શહેરમાં SBI બેન્ક શાખામાં આગ લાગતા ફાયર બ્રિગેડ, પોલીસ અને PGVCLની ટીમ ઘટના સ્થળે દોડી આવી – સદનસીબે કોઈ જાનહાનિ નથી
અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં સ્થિત સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા (SBI)ની શાખામાં અચાનક આગ ભભૂકી ઉઠતા લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી. આગની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.
તાત્કાલિક બગસરા અને અમરેલી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ટીમે લગભગ બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. હાલ આગ લાગવાનું કારણ અકબંધ છે.
ઘટના સ્થળે બગસરા પોલીસ, હોમગાર્ડ જવાનો, તેમજ પશ્વિમ ગુજરાત વિજ કંપની (PGVCL)ના સ્ટાફે પહોંચીને કોઈ મોટી દુર્ઘટના ન બને તેની તકેદારી લીધી હતી. SBI બેન્કના અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બેન્કની અંદર રહેલ સામગ્રી અને દસ્તાવેજોને નુકસાન પહોંચ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી છે. હાલ ફાયર વિભાગ દ્વારા આગ લાગવાનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.