ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે યુવક-યુવતી 20 સપ્ટેમ્બરની મોડીરાત્રે 1.15 વાગ્યે બર્થ ડે સેલિબ્રેશન માટે કારમાં બેઠાં હતાં. ત્યારે લૂંટના ઇરાદે આવેલા અજાણ્યા શખસે બંનેને માલમતા આપી દેવા ધમકાવ્યા હતા, યુવાને પ્રતિકાર કરતાં લૂંટારાએ છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી, જ્યારે યુવતી ઉપર પણ છરીથી હુમલો કર્યો હતો. આરોપી વિપુલ પરમારને રિકન્સ્ટ્રક્શન માટે અંબાપુર કેનાલ લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ ફાયરિંગ થયું હતું.જેમાં આરોપીનું મોત થઈ ગયું છે. આમ જ્યાં તેણે મર્ડર કર્યું ત્યાં જ તેનું પોલીસે ઢીમ ઢાળી દીધું છે. આ દરમિયાન ત્રણ પોલીસકર્મીને ઇજા થઈ હતી. આરોપીએ પોલીસની રિવોલ્વર ઝુંટવી ફાયરિંગ કર્યું હતું. જેના જવાબમાં પોલીસે સામે ફાયરિંગ કર્યું હતું. જેમાં વિપુલ પરમારનું ગોળી વાગતા મોત થયું છે.

આ ચકચારી લૂંટ-મર્ડર કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મુખ્ય આરોપી વિપુલ પરમારને 23 સપ્ટેમ્બરે રાજકોટના માંડા ડુંગરમાંથી ઝડપી પાડ્યો હતો. આ કેસની વધુ તપાસ ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને સોંપવામાં આવી હતી. આ બનાવના દિવસના કેનાલ વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેમાં આરોપી બાઇક પર શિકારની શોધમાં ફરતો જોવા મળ્યો હતો.

અડાલજ પાસે સાઈકો કિલરે કરી હતી હત્યા
અડાલજ પાસેની અંબાપુર નર્મદા કેનાલ પાસે એક યુવક-યુવતી 20 સપ્ટેમ્બરની મોડીરાત્રે 1.15 વાગ્યે બર્થ ડે સેલિબ્રેશન માટે કારમાં બેઠાં હતાં ત્યારે લૂંટના ઇરાદે આવેલા અજાણ્યા શખસે બંનેને માલમતા આપી દેવા ધમકાવ્યા હતા, યુવાને પ્રતિકાર કરતાં લૂંટારાએ છરીના ઘા મારી તેની હત્યા કરી નાખી હતી, જ્યારે યુવતી ઉપર પણ છરીથી હુમલો કર્યો હતો. યુવતી અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ છે. લૂટારો રોકડ, મોબાઇલ અને અન્ય મતા સાથે યુવકની કાર લઈને ફરાર થઈ ગયો હતો, જોકે થોડે દૂર કાર બંધ થઈ જતાં મૂકીને નાસી છૂટ્યો હતો.

કેમ બનાવી રહ્યો હતો કપલને નિશાન?
ક્રાઇમ બ્રાન્ચના હાથમાં આવેલો આરોપી વિપુલ પરમાર જામીનમુક્ત થયેલો છે. તે કેનાલ પાસે ઊભાં રહેતાં પ્રેમી-પંખીડાંને જ લૂંટ વિથ મર્ડર માટે નિશાન બનાવતો આવ્યો છે. આ શખસે લગ્ન માટે છોકરીઓ જોઈ હતી, પરંતુ તેના લગ્ન થઈ શક્યા નહોતા. એને કારણે તે કોઈપણ યુગલને જોતાં જ તેમના પર હુમલો કરતો હતો. પોતાના લગ્ન થતા ન હોવાથી ચિંતાને કારણે માનસિક રીતે બીમાર થઈ ગયો હતો. તે અગાઉ પણ કેટલાક ગુનાઓમાં પકડાયેલો છે અને તેને જેલ પણ થઈ ચૂકી છે.

વિપુલના પિતા બીજી પત્ની લાવ્યા હતા. બંનેનાં લગ્ન બાદ એક પુત્રનો જન્મ થયો હતો, જેમાં તેને સતત એવુ લાગતું હંતુ કે તેની સાવકી માતા તેના લગ્ન થવા દેતી નથી. પરિણામે તે, મનોવિકૃત બની ગયો હતો. તપાસમાં એવું પણ બહાર આવ્યું કે તેના પિતા વિષ્ણુભાઇ પરમાર સીઆરપીએફમા નોકરી કરતા હતા. ત્યારે તેની પહેલી પત્નીથી વિપુલ નામનો એક દીકરાનો જન્મ થયો હતો. પરિણામે તેના લગ્ન નહીં થતાં તે પ્રેમી યુગલો જોઇને ગુસ્સે ભરાતો હતો અને તે કંઇપણ સમજે એ પહેલા તેમના પર છરીથી હુમલો કરતો હતો.

તેની માતા તેના પતિને છોડીને જતી રહી હતી, જેથી તેના પિતાએ બીજા લગ્ન કર્યા હતા, પરંતુ તેની સાવકી માતા તેની સાથે સારો વ્યવહાર રાખતી ન હતી. આ ભેદભાવને કારણે તે ઉશ્કેરાયેલો રહેતો હતો. મેટ્રિમોનિયલ સાઇટ પર તેણે પોતાનું નામ લગ્ન માટે નોંધાવ્યું હતું, જ્યાં તેણે એક યુવતીનો પણ સંપર્ક કર્યો હતો, પરંતુ તેની માતા લગ્ન કરવા દેતી ન હતી, તેથી તે ગુસ્સે ભરાયેલો રહેતો હતો.

4 વર્ષ પહેલા પણ કરી હતી હત્યા
4 વર્ષ પહેલાં ગાંધીનગરના અડાલજ પાસેની ઝુંડાલ નર્મદા કેનાલ પાસે પ્રેમી-પંખીડાં પર હુમલો કરી પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. તેની સાથે અન્ય બે શખસ પણ હતા. એ સમયે વિપુલે પૂછપરછમાં પોતાના લગ્ન ન થતા હોવાથી માનસિક રીતે ત્રસ્ત થઈ કેનાલ પાસે કોઈપણ યુગલને જુએ એટલે તેમના પર હુમલો કરતો હોવાની ચોંકાવનારી કબૂલાત પણ કરી હતી. આ ગેંગ દ્વારા અત્યારસુધી 10 ગુનાને અંજામ આપ્યો હોવાની પણ કબૂલાત કરી હતી.