રાજકોટ શહેરમાં ડમ્પર ચાલકોના બેફામ દોડથી અકસ્માતોની શ્રેણી સર્જાઈ રહી છે. છેલ્લા પંદર દિવસમાં માત્ર ડમ્પર અકસ્માતોમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે.

મોરબી રોડ પાસે ફાટકના બ્રિજ નજીક આજે ફરી એકવાર ડમ્પર ચાલકે ત્રણથી ચાર વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં ઝૂંપડ પટ્ટીમાં રહેતા એક બાળકનું ઘટના સ્થળે જ દુઃખદ મોત નીપજ્યું. તે જ સમયે ગ્રીનલેન્ડ ચોકડી નજીક બાઈક ચાલકને અડફેટે લીધા બાદ ડમ્પર મોરબી રોડ તરફ ઘસી જતાં ફરી એક અકસ્માત સર્જાયો. બેડી ચોકડી પાસે પણ ડમ્પરે રોડ સાઈડ પર ટકર મારતાં હાહાકાર મચ્યો.

ડમ્પર ચાલક પણ ઇજાગ્રસ્ત
આ ભયાનક અકસ્માતમાં ડમ્પર ચાલક ગંભીર રીતે ઘવાયો છે. સાથે જ અન્ય ત્રણથી ચાર ઘાયલ લોકોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના પરિવારજનો રોડ પર આક્રંદ કરી રહ્યા છે. હજી પણ ઘાયલોમાંથી કેટલાકની સ્થિતિ નાજુક હોવાથી મૃત્યુઆંક વધી શકે છે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે.