ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીના પ્રવાસે જવા નીકળ્યા છે. સત્તાવાર રીતે રાજ્ય સરકારે કોઈ જાહેરાત કરી નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં તેમના આ પ્રવાસને લઈને ચર્ચાઓ જોર પકડી રહી છે. મુખ્યમંત્રીનો પ્રવાસ રાજકીય તેમજ વહીવટી મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મહત્ત્વપૂર્ણ બની શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, તેઓ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક કરશે. મુખ્યમંત્રીના આ દિલ્હી પ્રવાસની ચર્ચાઓએ રાજકીય ગરમાવો વધારી દીધો છે.

ગુજરાતના મુખ્યમંત્રીની અચાનક દિલ્હી મુલાકાતે રાજ્યના રાજકારણમાં ચકચાર મચાવી દીધી છે. સત્તાના કેન્દ્રોમાં ચર્ચાનો માહોલ છે કે આ મુલાકાત માત્ર સંગઠનાત્મક નથી, પરંતુ રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે.મુખ્યમંત્રીએ દિલ્હીમાં નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર સાથે મુલાકાત કરી છે. આ બેઠકને મંત્રીમંડળના સંભવિત વિસ્તરણ અને કેટલાક મંત્રીઓને ફેરબદલી અંગેની ચર્ચા સાથે જોડવામાં આવી રહી છે.

ગાંધીનગરના રાજકીય વર્તુળોમાં હાલ સન્નાટો છે. અનેક ધારાસભ્યો અને મંત્રીઓ દિલ્હીની બેઠક પર નજર રાખી રહ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આગામી ચૂંટણીની દ્રષ્ટિએ સંગઠન અને શાસન બંને સ્તરે પરિવર્તન શક્ય છે. આ બેઠક બાદ ટૂંક સમયમાં મંત્રીમંડળમાં વિસ્તરણ અથવા રિશફલિંગ થવાની શક્યતા તજજ્ઞો વ્યક્ત કરી રહ્યા છે. ભાજપના આંતરિક સૂત્રો જણાવે છે કે પ્રદેશ સંગઠન અને મંત્રાલય વચ્ચે વધુ સંકલન માટે આ ફેરફાર જરૂરી માનવામાં આવે છે. દિલ્હી મુલાકાત પછી ગાંધીનગરમાં જે શાંત સન્નાટો છવાયો છે તે આવનારા દિવસોમાં મોટા રાજકીય નિર્ણયોની પૂર્વભૂમિકા બની શકે છે. મંત્રીમંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત આવતા અઠવાડિયામાં શક્ય માનવામાં આવી રહી છે.

આ પહેલાં 4 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. આમ 40 દિવસમાં જ બીજીવાર પીએમ અને સીએમની મુલાકાતને રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. ચર્ચા મુજબ કેબિનેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિમંત્રી રાઘવજી પટેલ, પાણીપુરવઠામંત્રી કુંવરજી બાવળિયા, ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, પ્રવાસનમંત્રી મૂળુભાઈ બેરા, શિક્ષણમંત્રી કુબેર ડિંડોર અને સામાજિક ન્યાય અને અધિકારિતામંત્રી ભાનુબેન બાબરિયાની હકાલપટ્ટી થઈ શકે છે.

એ જ રીતે રાજ્યકક્ષાના જે મંત્રીઓના પડતા મુકાવાની શક્યાતા છે એમાં મત્સ્ય અને પશુપાલનમંત્રી પુરુષોત્તમ સોલંકી, પંચાયતમંત્રી બચુભાઈ ખાબડ, વન અને પર્યાવરણમંત્રી મુકેશ પટેલ, અન્ન અને નાગરિક પુરવઠામંત્રી ભીખુસિંહ પરમાર તથા આદિજાતિ વિકાસમંત્રી કુંવરજી હળપતિ તેમજ પ્રફુલ પાનસેરિયાનો સમાવેશ થાય છે. મંત્રીમંડળમાંથી કોને પડતા મૂકવા અને કોને સ્થાન આપવું એનો નિર્ણય માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જ કરતા હોય છે, પરંતુ હાલની સ્થિતિ જોતાં એવી અટકળો થઈ રહી છે કે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાનારી મ્યુનિસિપલ કોર્પોરેશનની તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીને તેમજ 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને પસંદગી કરાશે.