ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન થઈ ગઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. હર્ષ સંઘવીએ સૌથી પહેલા શપથ લીધા હતા. તેમને DYCM બનાવાયા છે. ત્યારબાદ જીતુ વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ પાનસેરિયા, ડો. મનીષા વકીલે રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે શપશ લીધા હતા.

કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શનાબેન વાઘેલા, કૌશિક વેકરીયા, પ્રવીણ માળી, જયરામ ગામીત, ત્રિકમ છાગા, સંજય મહીડા, કમલેશ પટેલ, પી.સી.બરંડા, સ્વરૂપજી ઠાકોર, રીવાબા જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. નવા મંત્રીઓ હાથમાં ભગવદ્ ગીતા લઇને શપથ લીધા હતા. ઉલ્લેખનીય છે કે કેબિનેટમાં એક પણ મહિલા મંત્રી નથી. સાથે જ ​​​​​​​ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, કુંવરજી બાવળિયાએ રાજીનામું ન આપ્યું હોવાથી શપથ લીધા નહોતા.

કાંતિ અમૃતિયા માટે મંત્રીપદ એ લોટરી સમાન છે. જો કે, કાંતિ અમૃતિયાને મંત્રીપદ મળવાનું ફળ ગોપાલ ઈટાલિયાની જાય છે. સૌરાષ્ટ્ર બેલ્ટ અને પાટીદારોમાં જાયન્ટ કિલર બની રહેલા ગોપાલ ઈટાલિયાની સામે ટક્કર આપવા માટે પાર્ટીએ કાંતિ અમૃતિયાને મંત્રીપદ આપ્યું છે.

દાદાની નવી કેબિનેટમાં પાટીદારોનો દબદબો રહ્યો છે. હવે ગુજરાત સરકારની નવી કેબિનેટમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત 7 પાટીદારો સમાવાયા છે. જેમાં કાંતિ અમૃતિયાની વન-વે એન્ટ્રી થઈ છે. પરંતુ કાંતિ અમૃતિયાની આ એન્ટ્રીનું શ્રેય ગોપાલ ઈટાલિયાને આપી શકાય. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે થોડા સમય પહેલા પડકાર પોલિટિક્સ ચાલ્યું હતું. ગોપાલ ઈટાલિયાને પડકાર ફેંકીને કાંતિ અમૃતિયા પોતાના સમર્થકો સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. ત્યારે આ મુદ્દો બહુ ચર્ચાયો હતો.

કાંતિ અમૃતિયાને ગોપાલ સાથે મોરે-મોરો કરવાનું ફળ્યું છે. અગાઉ ખરાબ રસ્તાના મુદ્દે મોરબીના સ્થાનિકોમાં ‘વિસાવદર વાળી’ થવાની ચર્ચા બોલકી બની હતી, ત્યારે ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ તેને પોતાના સામેની ગોપાલ પ્રેરિત બગાવત ગણી હતી અને ગોપાલને મોરબીથી ચૂંટણી લડવા આહ્વાન કર્યું હતું. જવાબમાં ઈટાલિયાએ પણ તેમનો પડકાર સ્વીકારી લીધો હતો અને બંનેએ એકબીજાને રાજીનામાં આપીને મોરબીથી ચૂંટણી લડવાના હાકલાં-પડકારા કરી દીધા હતા. એવું કશું તો ખેર, થવાનું ન હતું પરંતુ ઊભરી રહેલાં યુવા નેતા ગોપાલ ઈટાલિયા સામે મોરેમોરો કરવા બદલ અમૃતિયાને મંત્રી બનાવીને તેમનું કદ ચોક્કસ વધારી દેવાયું છે.

જુનાગઢ, મોરબી, રાજકોટમાં ગોપાલ ઈટાલિયાનું પ્રભુત્વ વધી રહ્યું છે. ગોપાલ ઈટાલિયા જે રીતે જાહેર સભા કરીને જનમેદની ભેગી કરી રહ્યાં છે, તે જોતા ભાજપના પેટમાં ફાળ પડી છે. આવામાં પાટીદારોમાં વર્ચસ્વ ઉભું કરવા માટે ભાજપને કદાવર નેતાની જરૂર છે. આ લિસ્ટમાં જયેશ રાદડિયા હતા, પરંતું ભાજપે તેમનું પત્તુ કાપી નાંખ્યું છે. પાર્ટી સામે બળવો કરનાર જયેશ રાદડિયાને બીજીવાર પણ મંત્રીપદ ન મળ્યું. આવામાં મોરબીનો ગઢ સાચવવા માટે ભાજપે કાંતિ અમૃતિયાને ઉભા કર્યા. આ રીતે ભાજપ પાટીદારો પર પ્રભુત્વ જમાવી રાખશે.