ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પડેલા અવિરત કમોસમી વરસાદે જગતના તાતને બરબાદ કરી નાંખ્યો છે. જીવન મૂડી ખર્ચીને પેટે પાટા બાંધીને ખેતરમાં પાક વાવ્યો અને હવે ફુટી કોડીય હાથમાં આવે તેમ નથી. હાલત એવી છે કે ઘરમાં પૈસા છે નહીં અને ખેતરમાં પાક છે નહીં. જીવતે જીવ મરવા જેવી સ્થિતિ ખેડૂતોની ઉભી થઈ છે. એવામાં સર્વત્ર સૌ કોઈ એક જ માંગ ખેડૂતો માટે કરી રહ્યું છે. ખેડૂતોની અને પ્રજાની માઈબાપ ગણાતી સરકાર બસ ખેડૂતોના દેવા માફ કરે.અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ અને લાખાપાદર ગામના ઉપસરપંચ અજયભાઈ વાળાએ સરકારને પત્ર લખી ખેડૂતોના દેવા માફ કરવા માટે માંગ કરી છે.
અજયભાઈએ લખેલા પત્રમાં લખ્યું છે કે, સરકારશ્રી દ્વારા વર્ષ 2024 માટે સહાય પેકેજ જાહેર કરાયેલ હોવા છતા અમરેલી જીલ્લાના અનેક ખેડૂતોને પુરતો ન્યાય મળ્યો નથી, હવે નવા વર્ષેના આરંભે ફરીથી કમોસમી માવઠાના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાથી તેમની આર્થિક પરિસ્થિીતી વધુ દયનિય બની ગઈ છે. અત્યારની સ્થિતીમાં માત્ર ડીજીટલ સર્વે કરીને ખેડૂતોનું ભલુ થવાનું નથી, પરંતુ ખેડૂતોની વાસ્તવિક પરિસ્થિતી અને તેમની મનોદશાને ધ્યાને લઈને જ યોગ્ય નિતી ઘડવામાં આવે તો ખેડુતોનું ખરેખર કલ્યાણ શક્ય બને તેમ છે. તેથી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે, ખેડૂતોને માત્ર સહાય પુરતી નથી-પરંતુ બેંક તથા સહકારી સંસ્થાઓના બાકી દેવા માફ કરીને વાસ્તવિક રાહત આપવામાં આવે તેથી ખેડુતો નવી શરૂઆત કરી શકે અને ખેતીક્ષેત્રમાં ફરી આશાનું કીરણ જોઈ શકે. આ બાબત પર તાત્કાલીક ધ્યાન આપી અમરેલી જીલ્લાના ખેડૂતોના હીતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી અમારી લાગણી સહ માંગણી સાથે વિનંતી છે.
જીવનભરની મહેનતના અંતે જ્યારે કોળિયો મોઢામાં મુકી શકાય એવી સ્થિતિ પણ ન રહે ત્યારે ખેડૂતો અંતિમ વિકલ્પ તરફ જતા હોય છે. કુદરત રુઠે ત્યારે માઈબાપ જ મદદ કરતા હોય છે એટલે જ સરકાર પાસે સૌ કોઈને અપેક્ષા છે કે ખેડૂતોના દેવા માફ કરી તેમની આંતરડી ઠારશે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો







