રાજકોટ : રાજ્યભરના રેશનિંગ દુકાનદારો આજે થી અનિશ્ચિત સમય માટે હડતાલ પર ઉતર્યા છે.
સરકારે સસ્તા અનાજના દુકાનદારોની મૂળભૂત માંગણીઓ સ્વીકારવામાં નિષ્ફળતા દર્શાવતાં, રેશનિંગ વિતરકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
રાજ્યના 17,000 રેશનિંગ દુકાનદારો, જેમાં રાજકોટના 700થી વધુ દુકાનદારોનો સમાવેશ થાય છે, હડતાલમાં જોડાયા છે. આ પગલે રાજ્યના અંદાજે 75 લાખ જરૂરિયાતમંદ રેશનકાર્ડધારકોને અનાજ વિતરણથી વંચિત રહેવું પડશે.દુકાનદારોની મુખ્ય 20 પડતર માંગણીઓમાં સમયસર કમિશનની ચુકવણી, બાયોમેટ્રિક વેરિફિકેશન પરિપત્ર રદ કરવું, તેમજ વિતરણ પોર્ટલની ખામીઓ દૂર કરવી જેવી બાબતોનો સમાવેશ થાય છે.
કોંગ્રેસ અને અન્ય સામાજિક સંગઠનોએ દુકાનદારોની માંગણીઓને ન્યાયસભર ગણાવી સરકારને તાત્કાલિક ચર્ચા માટે આગ્રહ કર્યો છે. હાલ સરકારે કોઈ નવું નિવેદન આપ્યું નથી, પરંતુ પુરવઠા વિભાગ દ્વારા પરિસ્થિતિ પર કડક નજર રાખવામાં આવી રહી છે.






