*અમરેલી તા.૧૧ ડિસેમ્બર, ૨૦૨૫ (ગુરુવાર)* – રાજ્ય ચૂંટણી આયોગે એક આખરી આદેશ દ્વારા નવરચિત ધારી નગરપાલિકાના વોર્ડોની રચના, સીમાંકન તથા બેઠકની ફાળવણી કરી છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નિયમોનુસાર વસ્તી વગેરેના માપદંડોને ધ્યાને રાખીને તારી નગરપાલિકા માટે ૭ વોર્ડની રચના કરવામાં આવી છે.

અગાઉ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ધારી નગરપાલિકાની ચૂંટણી માટે શહેરના વોર્ડના સીમાંકન તથા અનામત બેઠકની ફાળવણી અંગેનો પ્રાથમિક આદેશ જારી કરવામાં આવ્યો હતો. તેના આધારે આયોગને મળેલા સૂચનો આયોગે વિચારણામાં લીધા છે અને મ્યુનિસિપલ બરોમાં વોર્ડોનું સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી બાબતના નિયમો, ૧૯૯-૪ના નિયમ-૮ની જોગવાઈ હેઠળ આયોગે માન્ય રાજકીય પક્ષો સાથે ગત તા. ૨૯.૧૦.૨૦૨૫ના રોજ પરામર્શ કર્યો હતો.

આ આખરી આદેશ મુજબ ૨ બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત રાખવાનું નિર્ધારિત થયું છે. જે પૈકી ૧ બેઠક સ્ત્રી અનામત રાખવામાં આવી છે. પછાત વર્ગો માટે ૮ બેઠકો અનામત રાખવામાં આવી છે, એ પૈકી ૪ બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવાનું નિર્ધારિત થયું છે.

આમ, નવરચિત ધારી નગરપાલિકા માટે ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૩૦,૩૫૨ની વસ્તી છે, જેમાં કુલ ૭ વોર્ડની કુલ ૨૮ બેઠકો રહેશે. જે પૈકી કુલ ૧૯ બેઠકો અનામત રહેશે અને ૯ સામાન્ય રહેશે. ૧૪ બેઠકો અનુસૂચિત જાતિ અને પછાતવર્ગની સ્ત્રીઓ માટેની બેઠકો સહિતની બેઠકો રહેશે. નવરચિત ધારી નગરપાલિકાના વોર્ડોની રચના, સીમાંકન તથા બેઠકની ફાળવણીનો વિગતવાર આદેશ ધારી નગરપાલિકાના કચેરીના નોટિસ બોર્ડ પર જોઈ શકાશે.