અમરેલીથી સુરત તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસનો બામણ ગામ નજીક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ માર્ગ પર ઉભેલા ટ્રકમાં લક્ઝરી બસ ઘૂસી જતા આ ગંભીર અકસ્માત થયો હતો. અકસ્માતની તીવ્રતાને કારણે બસમાં સવાર મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી.
અકસ્માતમાં લક્ઝરી બસના ડ્રાઇવરને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બસનો આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળ્યો હતો અને ડ્રાઇવર બસમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બસના પતરાં કાપી લાંબી મહેનત બાદ ડ્રાઇવરની લાશ બહાર કાઢવામાં આવી હતી.
ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં
આ અકસ્માતમાં કુલ ચાર મુસાફરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અંદાજે 15 મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કેટલાક ઘાયલોને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.
પોલીસે હાથ ધરી કાર્યવાહી
ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તથા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા હતા. અકસ્માતના પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. આ સમગ્ર ઘટનાને લઈ કરજણ પોલીસે વધુ તપાસ શરૂ કરી કાર્યવાહી હાથ ધરી છે.







