વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે સુરતના હજીરા બંદરેથી હજીરા અને ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાનું ફ્લેગ ઓફ અને હજીરામાં રો-પેક્સ ટર્મિનલનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરતના હજીરા ખાતે મુખ્યપ્રધાન રૂપાણી તથા મનસુખ માંડવીયા તથા પ્રદેશ ભાજપ ના પ્રમુખ સી.આર.પાટિલ ઉપસ્થિત રહ્યા હતા .
હજીરા અને ઘોઘા વચ્ચે રો-પેક્સ સર્વિસથી સુરત અને સૌરાષ્ટ્ર વચ્ચે અવરજવર સસ્તી અને સુગમ બનશે. સૌરાષ્ટ્રના વધુ લોકો સુરત રહે છે ત્યારેહાલ સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે 10થી 12 કલાકની માર્ગ મુસાફરી કરવી પડે છે હવે રો-પેક્સ સેવાને કારણે આ મુસાફરી માત્ર 4 કલાકની થઇ જશે.
આ સેવાથી ઘોઘા અને હજીરા વચ્ચે માર્ગનું અંતર 370 કિલોમીટર છે જે હવે સમુદ્રમાર્ગ માં ફક્ત 90 કિલોમીટર થશે. રો-પેક્સ સર્વિસથી સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોએ પહોચવું સરળ બનતા હવે પ્રવાસન ઉદ્યોગને પણ વેગ મળશે તથા પ્રવાસન સ્થળોનો પણ વિકાસ થશે .
રો-પેક્સથી રોડ પરનું ભારણ ઘટશે, ટ્રાફિક સમસ્યા હળવી બનશે, મુસાફરી સસ્તી થશે અને પર્યાવરણની જાળવણી થશે. ઘોઘા અને સુરતના હજીરા ખાતે ઉપસ્થિત રહેલા વિવિધ વેપારીઓ સાથે મોદીએ વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો.