શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ રવિન્દ્ર જાડેજા માટે ઐતિહાસિક બની છે. બેટિંગમાં માત્ર 13 રનનું યોગદાન આપ્યા બાદ જાડેજાએ બોલિંગમાં શાનદાર વાપસી કરી અને બે મહત્વની વિકેટ ઝડપી. આ સાથે તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 350 વિકેટનો આંકડો પાર કરીને પોતાની કારકિર્દીમાં વધુ એક મોટી સિદ્ધિ ઉમેરી છે.

શ્રીલંકાના પ્રથમ દાવ દરમિયાન જાડેજાએ ધનંજય ડી સિલ્વા અને કેસરા નુવંથાને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ બે વિકેટ સાથે જાડેજાની ટેસ્ટ કારકિર્દીની વિકેટ સંખ્યા 350 પર પહોંચી હતી.

આ સિદ્ધિ સાથે જાડેજા હવે એવા પસંદગીના ઓલરાઉન્ડરોની યાદીમાં સામેલ થઈ ગયા છે, જેમણે ટેસ્ટ ક્રિકેટમાં 4,000થી વધુ રન અને 350થી વધુ વિકેટ બંને પોતાના નામે કરી છે.

કપિલ દેવ, બોથમ અને વેટ્ટોરીની સાથે જાડેજા

રવિન્દ્ર જાડેજા પહેલાં ટેસ્ટ ક્રિકેટમાં આ અનોખી સિદ્ધિ માત્ર ત્રણ ખેલાડીઓ મેળવી શક્યા હતા. તેમાં ભારતના કપિલ દેવ, ઇંગ્લેન્ડના ઇયાન બોથમ અને ન્યૂઝીલેન્ડના ડેનિયલ વેટ્ટોરીનો સમાવેશ થાય છે.

કપિલ દેવે 131 ટેસ્ટમાં 5,248 રન સાથે 434 વિકેટ ઝડપી હતી. ઇયાન બોથમે 102 ટેસ્ટમાં 5,200 રન અને 383 વિકેટનો રેકોર્ડ નોંધાવ્યો હતો. જ્યારે ડેનિયલ વેટ્ટોરીએ 113 ટેસ્ટ મેચમાં 4,531 રન સાથે 362 વિકેટ પોતાના નામે કરી હતી.

જાડેજાએ આ માઈલસ્ટોન માત્ર 90 ટેસ્ટ મેચમાં હાંસલ કર્યો છે. એટલે આ ખાસ ક્લબમાં સામેલ ચારેય ખેલાડીઓમાં 100થી ઓછી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવનાર જાડેજા એકમાત્ર ખેલાડી છે.

350 ટેસ્ટ વિકેટ લેનાર પાંચમો ભારતીય

350 ટેસ્ટ વિકેટની સિદ્ધિ સાથે જાડેજાએ ભારતીય બોલરોની વિશેષ યાદીમાં પણ સ્થાન મેળવ્યું છે. તેઓ ટેસ્ટ ક્રિકેટમાં 350 કે તેથી વધુ વિકેટ લેનારા પાંચમા ભારતીય બોલર બન્યા છે.

આ યાદીમાં અનિલ કુંબલે 619 વિકેટ સાથે પ્રથમ ક્રમે છે. ત્યારબાદ રવિચંદ્રન અશ્વિન 537, કપિલ દેવ 434 અને હરભજન સિંહ 417 વિકેટ સાથે સ્થાન ધરાવે છે. હવે જાડેજા પણ 350 વિકેટ સાથે આ પ્રતિષ્ઠિત યાદીમાં સામેલ થયા છે.

વિશ્વના ત્રીજા ડાબોડી સ્પિનર

જાડેજાની આ સિદ્ધિનું વધુ એક ખાસ પાસું એ છે કે તેઓ ટેસ્ટ ક્રિકેટમાં 350 વિકેટનો આંકડો પાર કરનાર વિશ્વના ત્રીજા ડાબોડી સ્પિનર બન્યા છે.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા ડાબોડી સ્પિનરોની યાદીમાં:

  • રંગના હેરાથ – 433 વિકેટ
  • ડેનિયલ વેટ્ટોરી – 362 વિકેટ
  • રવિન્દ્ર જાડેજા – 350 વિકેટ
  • ડેરેક અંડરવુડ – 297 વિકેટ
  • તૈઝુલ ઇસ્લામ – 271 વિકેટ

આ સિદ્ધિ સાથે જાડેજાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તેઓ માત્ર ભારતના સફળ ઓલરાઉન્ડર જ નહીં, પરંતુ ટેસ્ટ ક્રિકેટના વિશ્વસ્તરીય ઓલરાઉન્ડરોમાં પોતાનું સ્થાન મજબૂત કરી ચૂક્યા છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો