રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરણાનો મામલો સામે આવ્યો છે. રેસિડેન્ટ ડોક્ટરોએ સિનિયર મેડિકલ ઓફિસર અશ્વિન રામાણી સામે ગેરવર્તનનો આક્ષેપ કરીને કાર્યવાહી કરવાની માંગ કરી છે.

મળતી માહિતી મુજબ, રેસિડેન્ટ ડોક્ટર ક્રિષા શિંગાળા કોઈ પેશન્ટ અંગેની માહિતી મેળવવા માટે સિનિયર મેડિકલ ઓફિસર અશ્વિન રામાણી પાસે ગયા હતા. આ દરમિયાન તેમની સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ડોક્ટરો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, આ ઘટના સાંજે આશરે 7થી 8 વાગ્યાની આસપાસ બની હતી. ઘટનાને લઈને રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં તાત્કાલિક નિવેડો ન આવતા વિરોધનો માર્ગ અપનાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ઇમરજન્સી વોર્ડ બહાર ડોક્ટરો એકઠા

મામલાને લઈને મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટરો રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ બહાર એકઠા થયા હતા અને ધરણા પર બેઠા હતા. ડોક્ટરોએ સિનિયર મેડિકલ ઓફિસર અશ્વિન રામાણી સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

રેસિડેન્ટ ડોક્ટરોની મુખ્ય માંગ છે કે અશ્વિન રામાણીને તાત્કાલિક ફરજ પરથી દૂર કરવામાં આવે અને સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ કરવામાં આવે.

હાલ સમગ્ર મામલે હોસ્પિટલ તંત્ર તરફથી સત્તાવાર રીતે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ અને સંબંધિત અધિકારીનો પક્ષ મળ્યા બાદ ઘટનાની વધુ સ્પષ્ટતા થઈ શકે છે.