ગીર સોમનાથ જિલ્લા પંચાયતના DDO સ્નેહલ ભાપકરના એક વિવાદિત કાર્યાલય આદેશને લઈને મોટો વહીવટી વળાંક આવ્યો છે. તા. 1 ઓગસ્ટે DDO દ્વારા કરવામાં આવેલા આદેશને પંચાયત વિભાગના ઉપસચિવ દિલીપ નાઈએ તાત્કાલિક અસરથી રદ કરી દીધો છે.
DDO દ્વારા ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર જ્યંત સીતાપરાનો વધારાનો ચાર્જ બદલવા અંગે કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, ઉપસચિવના હુકમમાં આ કાર્યવાહી સત્તા મર્યાદા બહારની અને વહીવટી દૃષ્ટિએ અયોગ્ય હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
કાર્યપાલક ઈજનેર અંગે નિર્ણયની સત્તા માર્ગ-મકાન વિભાગની
ઉપસચિવના મહત્વના હુકમ મુજબ, કાર્યપાલક ઈજનેર વર્ગ-1ના અધિકારી અંગે વધારાના ચાર્જમાં ફેરફાર કરવા સહિતની કાર્યવાહી કરવાની સત્તા સંબંધિત માર્ગ અને મકાન વિભાગને હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે.
આથી જિલ્લા પંચાયતના DDO દ્વારા ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેરનો ચાર્જ બદલવા માટે કરવામાં આવેલો આદેશ યોગ્ય વહીવટી સત્તા હેઠળનો ન હોવાનું જણાવી તેને રદ કરવામાં આવ્યો છે.
1 ઓગસ્ટનો હુકમ તાત્કાલિક અસરથી રદ
પંચાયત વિભાગના ઉપસચિવ દિલીપ નાઈએ DDOનો તા. 1 ઓગસ્ટનો કાર્યાલય આદેશ તાત્કાલિક અસરથી રદ કરવાનો હુકમ કર્યો છે. સાથે જ ભવિષ્યમાં આવી બાબતોનું પુનરાવર્તન ન થાય તે માટે જરૂરી તકેદારી રાખવા પણ સૂચના આપવામાં આવી છે.
જિલ્લા પંચાયતમાં વહીવટી ચર્ચા તેજ
DDOના આદેશને ઉપસચિવ દ્વારા રદ કરવામાં આવતા ગીર સોમનાથ જિલ્લા પંચાયતના વહીવટી તંત્રમાં ખળભળાટ મચ્યો છે. વર્ગ-1ના અધિકારીના ચાર્જ સંબંધિત સત્તા અને વહીવટી પ્રક્રિયાને લઈને હવે આ મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.







