વિશ્વભરની જાણીતી રાઇડ-હેલિંગ કંપની Uberને યુરોપમાં મોટો કાનૂની અને નાણાકીય ઝટકો લાગ્યો છે. નેધરલેન્ડ્સની ડેટા પ્રોટેક્શન ઓથોરિટી (Dutch Data Protection Authority)એ કંપની પર €824.99 મિલિયનનો દંડ ફટકાર્યો છે. ભારતીય ચલણમાં આ રકમ ₹9,000 કરોડથી વધુ થાય છે.

આ કાર્યવાહી Uber દ્વારા ડ્રાઇવરોના એકાઉન્ટ અંગે લેવામાં આવતા કેટલાક સ્વચાલિત નિર્ણયોને લઈને કરવામાં આવી છે. નિયમનકારી સંસ્થાના જણાવ્યા મુજબ, કંપનીની કેટલીક પ્રક્રિયાઓમાં ડ્રાઇવરોના એકાઉન્ટને સસ્પેન્ડ અથવા ડિએક્ટિવેટ કરવા જેવા નિર્ણયો માટે ઓટોમેટેડ સિસ્ટમનો ઉપયોગ થતો હતો.

2018થી 2022 વચ્ચેની પ્રક્રિયા પર સવાલ

ડચ ડેટા પ્રોટેક્શન ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે, તપાસમાં 2018થી 2022 દરમિયાનની કેટલીક Uber પ્રક્રિયાઓ ધ્યાનમાં લેવામાં આવી હતી. તેમાં છેતરપિંડીની શંકા અથવા અન્ય કારણોસર ડ્રાઇવરોના એકાઉન્ટ સામે કાર્યવાહી કરતી ઓટોમેટેડ સિસ્ટમનો સમાવેશ થાય છે.

રેગ્યુલેટરનું કહેવું છે કે આવા નિર્ણયો વ્યક્તિની રોજગારી અને આવક પર સીધી અસર કરી શકે છે. તેથી માત્ર કમ્પ્યુટર આધારિત પ્રક્રિયા પૂરતી નથી અને યોગ્ય માનવ દેખરેખ તથા અસરગ્રસ્ત વ્યક્તિને નિર્ણય સામે વાંધો ઉઠાવવાની તક પણ મહત્વપૂર્ણ છે.

GDPRના નિયમોના ઉલ્લંઘનનો આરોપ

આ કેસનું મુખ્ય કેન્દ્ર યુરોપિયન યુનિયનના General Data Protection Regulation (GDPR) સાથે જોડાયેલું છે. ડચ ઓથોરિટી અનુસાર, Uberએ કેટલીક પરિસ્થિતિઓમાં ડ્રાઇવરો અંગેના સંપૂર્ણ અથવા મોટા પ્રમાણમાં ઓટોમેટેડ નિર્ણયોમાં પૂરતી પારદર્શિતા અને માનવ હસ્તક્ષેપ સુનિશ્ચિત કર્યો નહોતો. ડ્રાઇવરોને તેમની સામે લેવાયેલા નિર્ણયોની પ્રક્રિયા અંગે પૂરતી માહિતી આપવામાં આવી હતી કે નહીં તે મુદ્દો પણ તપાસનો ભાગ બન્યો હતો.

Uber કરશે અપીલ 

Uberએ ડચ રેગ્યુલેટરના નિર્ણય સાથે અસહમતિ વ્યક્ત કરી છે. કંપનીનું કહેવું છે કે તપાસમાં સામેલ કેટલીક નીતિઓ હવે જૂની થઈ ચૂકી છે અને તેને વર્ષો પહેલાં બંધ કરવામાં આવી હતી.

કંપનીએ એ પણ જણાવ્યું છે કે ડ્રાઇવરોની કમાણી અને એકાઉન્ટને અસર કરતા નિર્ણયો ગંભીર બાબત છે. Uberના જણાવ્યા મુજબ તેની હાલની વ્યવસ્થામાં માનવ સમીક્ષા અને નિર્ણય સામે અપીલ કરવાની પ્રક્રિયા ઉપલબ્ધ છે. Uber હવે આ દંડ સામે અપીલ કરવાની તૈયારીમાં છે.

Uber સામે અગાઉ પણ થઈ છે કાર્યવાહી

નેધરલેન્ડ્સની ડેટા પ્રોટેક્શન ઓથોરિટી અને Uber વચ્ચે આ પહેલી ટક્કર નથી. 2024માં પણ Uber પર €290 મિલિયનનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તે સમયે યુરોપિયન ડ્રાઇવરોના વ્યક્તિગત ડેટાને યોગ્ય સુરક્ષા વ્યવસ્થા વિના અમેરિકા ટ્રાન્સફર કરવાના મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. ડચ ઓથોરિટીના દસ્તાવેજો અનુસાર તે કેસમાં GDPRના નિયમોના ગંભીર ઉલ્લંઘનનો મુદ્દો સામે આવ્યો હતો.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો