શ્રીલંકા સામે કોલંબોમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ઋષભ પંતે શાનદાર બેટિંગ કરીને નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પ્રથમ ઇનિંગમાં પંતે 89 બોલમાં 63 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી, જેમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. આ ઇનિંગ સાથે પંત ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.
પંતે ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલને પાછળ છોડી દીધો છે. WTCમાં પંતના નામે હવે 42 મેચમાં 42.11ની સરેરાશથી 2948 રન નોંધાયા છે. જ્યારે ગિલે 42 મેચમાં 42.27ની સરેરાશથી 2917 રન બનાવ્યા છે. એટલે કે પંત હવે ગિલ કરતાં 31 રન આગળ છે.
WTCમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓ
- ઋષભ પંત – 2948 રન, 42 ટેસ્ટ
- શુભમન ગિલ – 2917 રન, 42 ટેસ્ટ
- રોહિત શર્મા – 2716 રન, 40 ટેસ્ટ
- રવિન્દ્ર જાડેજા – 2675 રન, 50 ટેસ્ટ
- વિરાટ કોહલી – 2617 રન, 46 ટેસ્ટ
- યશસ્વી જયસ્વાલ – 2588 રન, 30 ટેસ્ટ
રોહિત શર્મા અને વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા હોવાથી આગામી સમયમાં સક્રિય ખેલાડીઓ તેમની પાછળ નીકળી શકે છે. હાલ સક્રિય ભારતીય બેટ્સમેનોમાં યશસ્વી જયસ્વાલ 2588 રન સાથે આ યાદીમાં ઝડપથી આગળ વધી રહ્યો છે.
ઈજા છતાં પંતે બતાવ્યો જજબો
પંતની આ ઇનિંગની ખાસિયત માત્ર રેકોર્ડ પૂરતી સીમિત નથી. મેચના પ્રથમ દિવસે લાહિરુ કુમારાના શોર્ટ બોલથી પંતના ડાબા હાથમાં ઈજા થઈ હતી. ભારે પીડા વચ્ચે ફિઝિયોએ મેદાન પર સારવાર કરી હતી. તે સમયે પંત માત્ર 3 રનના સ્કોર પર રિટાયર્ડ હર્ટ થઈને ડ્રેસિંગ રૂમમાં પરત ફર્યો હતો.
જોકે બીજા દિવસે સરાંશ જૈનના આઉટ થયા બાદ પંત ફરી બેટિંગ માટે મેદાનમાં આવ્યો. ઈજા હોવા છતાં તેણે સંયમ અને આક્રમકતાનું શાનદાર સંતુલન જાળવીને શ્રીલંકન બોલિંગનો સામનો કર્યો.
ધ્રુવ જુરેલ સાથે 112 રનની મહત્વપૂર્ણ ભાગીદારી
પંતને બીજા છેડે ધ્રુવ જુરેલનો મજબૂત સાથ મળ્યો. બંને બેટ્સમેનોએ સાતમી વિકેટ માટે 112 રનની ભાગીદારી કરી અને ભારતને મુશ્કેલ પરિસ્થિતિમાંથી મજબૂત સ્થિતિ તરફ લઈ ગયા.
આ ભાગીદારીનું ઐતિહાસિક મહત્વ પણ છે. શ્રીલંકાની ધરતી પર ભારતીય ટીમ માટે ટેસ્ટમાં સાતમી વિકેટ અથવા તેનાથી નીચેની વિકેટ માટે આ બીજી 100થી વધુ રનની ભાગીદારી બની છે. અગાઉ 2015માં ચેતેશ્વર પૂજારા અને અમિત મિશ્રાએ આ જ મેદાન પર 104 રનની ભાગીદારી કરી હતી.
SSC મેદાન પર 400 રનનો આંકડો પણ ખાસ
કોલંબોના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ એટલે કે SSC ગ્રાઉન્ડ પર ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં 400 કે તેથી વધુ રનનો આંકડો પાર થવાની આ 11મી ઘટના છે. અગાઉ આવી 10 ઇનિંગમાંથી છ વખત 400થી વધુનો સ્કોર કરનાર ટીમે મેચ જીતી હતી, જ્યારે ચાર મુકાબલા ડ્રો રહ્યા હતા.
પંતની ઈજા વચ્ચેની આ લડાયક ઇનિંગ અને WTCમાં ભારત માટે નંબર-1 રનસ્કોરર બનવાની સિદ્ધિએ કોલંબો ટેસ્ટમાં તેની ભૂમિકાને વધુ ખાસ બનાવી દીધી છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







