ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ચાલી રહેલી રાજદ્વારી કવાયત વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે મંગળવારે બેઇજિંગમાં ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝાંગ સાથે મુલાકાત કરી. આ બેઠકમાં બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા તેમજ સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવા અંગે ચર્ચા કરવામાં આવી.

ડોભાલ બે દિવસની ચીન મુલાકાતે છે. તેમની મુલાકાતનું મુખ્ય કારણ ભારત-ચીન સરહદ મુદ્દે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે ખાસ પ્રતિનિધિ સ્તરની વાતચીતમાં ભાગ લેવાનું છે.

સરહદ પર શાંતિ જાળવવા પર ખાસ ભાર

ભારતીય દૂતાવાસ તરફથી મળેલી માહિતી મુજબ, ડોભાલ અને હાન ઝાંગ વચ્ચેની બેઠકમાં સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવા અંગે વિશેષ ચર્ચા થઈ હતી.

બંને પક્ષોએ માત્ર સરહદી મુદ્દા સુધી ચર્ચાને મર્યાદિત ન રાખતા આર્થિક, રાજકીય અને બહુપક્ષીય મંચો પર સહયોગ વધારવાની શક્યતાઓ અંગે પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું.

ભારત અને ચીનના નેતાઓ વચ્ચે અગાઉ થયેલી સહમતિને ધ્યાનમાં રાખીને દ્વિપક્ષીય સંબંધોને આગળ લઈ જવા માટેના માર્ગો પર પણ વાતચીત થઈ હોવાનું જણાવાયું છે.

ગલવાન બાદ સંબંધોમાં આવ્યો હતો મોટો તણાવ

2020માં ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણ બાદ ભારત અને ચીનના સંબંધોમાં ભારે તણાવ સર્જાયો હતો. પૂર્વી લદ્દાખમાં લાંબા સમય સુધી સૈન્ય તૈનાતી અને સરહદી સ્થિતિ બંને દેશો વચ્ચેના સંબંધો માટે મોટો પડકાર બની હતી.

જોકે, છેલ્લા કેટલાક સમયથી બંને દેશો વચ્ચે રાજદ્વારી સંપર્ક વધ્યો છે. સરહદ પરની સ્થિતિમાં સુધારો લાવવા અને દ્વિપક્ષીય સંબંધોને ફરી સ્થિર કરવા માટે બંને તરફથી વિવિધ સ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

2003થી ચાલી રહ્યું છે ખાસ પ્રતિનિધિ તંત્ર

ભારત અને ચીન વચ્ચેનો સરહદી વિવાદ આશરે 3,488 કિલોમીટર લાંબી સરહદ સાથે જોડાયેલો છે. આ જટિલ મુદ્દે રાજદ્વારી ઉકેલ શોધવા માટે વર્ષ 2003માં ખાસ પ્રતિનિધિ તંત્રની સ્થાપના કરવામાં આવી હતી.

આ મિકેનિઝમ હેઠળ બંને દેશોના પ્રતિનિધિઓ સરહદ વિવાદ સહિત પરસ્પર મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરે છે. હાલ ભારત તરફથી અજિત ડોભાલ અને ચીન તરફથી વાંગ યી આ પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

BRICS સમિટ પહેલા ડોભાલની મુલાકાત મહત્વપૂર્ણ

અજિત ડોભાલની બેઇજિંગ મુલાકાતને આગામી BRICS સમિટના સંદર્ભમાં પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં BRICS સમિટ યોજાવાની છે અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત મુલાકાત અંગે પણ ચર્ચા ચાલી રહી છે.

આ પરિસ્થિતિમાં ડોભાલની ચીન મુલાકાત અને ચીનના ટોચના નેતાઓ સાથેની બેઠકો બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંપર્કને નવી દિશા આપી શકે છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો