મહુવા: નાના આસરાણા ગામે વૃદ્ધ દંપતીને નિશાન બનાવી કરવામાં આવેલી લૂંટની ઘટનાનો પોલીસે ભેદ ઉકેલી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગત તા. 15 ઓગસ્ટ 2026ના રોજ રાત્રિના સમયે બનેલી આ ઘટનામાં લૂંટારૂઓએ ઘરમાં ઘૂસી સુતેલી વૃદ્ધ મહિલાનું મોઢું અને ગળું દબાવી કાનમાં પહેરેલા સોનાના દાગીના લૂંટી લીધા હતા.

મળતી માહિતી મુજબ, નાના આસરાણા ગામે રહેતા મનુભાઈ રામભાઈ નકુમ અને તેમના પત્ની દેવલબેન રાત્રિના સમયે ઘરમાં નિદ્રાધીન હતા. દરમિયાન આશરે રાત્રિના 3 વાગ્યે અજાણ્યા ઈસમો લૂંટના ઇરાદે તેમના ઘરમાં ઘૂસી આવ્યા હતા.

લૂંટારૂઓએ સુતેલા દેવલબેનનું મોઢું અને ગળું દબાવી દીધું હતું. ત્યારબાદ તેમના કાનમાં પહેરેલા સોનાના દાગીના લૂંટી આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ફરિયાદ નોંધાતા ખૂટવડા પોલીસે લૂંટારૂઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી.

ટેક્નિકલ સોર્સની મદદથી પોલીસને મળી સફળતા

ખૂટવડા પોલીસે ટેક્નિકલ સોર્સની મદદથી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન મળેલી મહત્વની કડીઓના આધારે ચાર શખ્સોની ઓળખ કરી તેમને ઝડપી પાડવામાં આવ્યા છે.

પોલીસે જીલું ડાયાભાઇ ચારોલીયા અને મનસુખ વેલાભાઈ ચારોલીયા, બંને સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામના રહેવાસી, તેમજ દેવાયત સંગ્રામભાઈ ચારોલીયા, વડલી ગામના રહેવાસી અને નાથાભાઇ ભીમાભાઈ પરમાર, કરમદીયા ગામના રહેવાસીને ઝડપી પાડ્યા છે.

કાર અને લોખંડના પાઇપ-સરિયા પણ કબજે

આરોપીઓ પાસેથી પોલીસે લૂંટનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઉપરાંત લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી કાર તેમજ લોખંડના પાઇપ અને સરિયા પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે.

પોલીસે ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા બાદ સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લૂંટની ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ અને આરોપીઓએ અગાઉ પણ આવી કોઈ ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ વધી રહી છે.

આ સમગ્ર કાર્યવાહી અંગે મહુવા ડીવાયએસપી રિમા ઝાલાએ માહિતી આપી હતી.