ભારતના હવામાનને લઈને ભારતીય હવામાન વિભાગ (IMD)ના તાજા આંકડાઓએ ચિંતા વધારી છે. ઓગસ્ટ 2026 ભારત માટે 1901 પછીનો સૌથી ગરમ ઓગસ્ટ મહિનો સાબિત થયો છે. IMDના જણાવ્યા પ્રમાણે આ મહિનાનું સરેરાશ તાપમાન 28.01 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે ઓગસ્ટના સામાન્ય 27.34 ડિગ્રી સેલ્સિયસ કરતાં નોંધપાત્ર રીતે વધારે છે.

આ સાથે ઓગસ્ટના સરેરાશ લઘુત્તમ તાપમાનમાં પણ નવો રેકોર્ડ નોંધાયો છે. લઘુત્તમ તાપમાન 24.36 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જ્યારે સામાન્ય તાપમાન 23.68 ડિગ્રી સેલ્સિયસ છે.

ઓગસ્ટમાં વરસાદ પણ ઓછો રહ્યો

તાપમાનમાં રેકોર્ડ વચ્ચે ઓગસ્ટ દરમિયાન વરસાદની સ્થિતિ પણ નબળી રહી હતી. IMDના જણાવ્યા અનુસાર ઓગસ્ટમાં દેશભરમાં આશરે 213.3 મીમી વરસાદ નોંધાયો હતો, જે 2001 પછીનો સાતમો સૌથી ઓછો ઓગસ્ટ વરસાદ છે.

આ હવામાનની સ્થિતિ પાછળ અનેક પરિબળો જવાબદાર છે. IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં મજબૂત અલ નીનો સ્થિતિ વર્તમાન હવામાન પર અસર કરી રહી છે.

સપ્ટેમ્બરમાં પણ વરસાદ સામાન્યથી ઓછો રહેવાની શક્યતા

ઓગસ્ટના રેકોર્ડ બાદ હવે સપ્ટેમ્બરના હવામાનને લઈને પણ મહત્વપૂર્ણ આગાહી સામે આવી છે. IMD અનુસાર સપ્ટેમ્બર 2026માં સમગ્ર દેશમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની શક્યતા છે.

વિભાગે સપ્ટેમ્બર માટે વરસાદ લાંબા ગાળાની સરેરાશ એટલે કે LPAના 91 ટકાથી ઓછો રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. 1971થી 2020ના આંકડાના આધારે સપ્ટેમ્બરનો LPA 167.9 મીમી છે.

સપ્ટેમ્બરમાં તાપમાન પણ સામાન્યથી વધારે રહી શકે

માત્ર વરસાદ જ નહીં, સપ્ટેમ્બર દરમિયાન તાપમાનને લઈને પણ IMDએ મહત્વપૂર્ણ આગાહી કરી છે. દેશના ઘણા વિસ્તારોમાં માસિક સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. એટલે કે ચોમાસાની વિદાય તરફ આગળ વધતા ગરમીનો અનુભવ યથાવત રહેવાની શક્યતા છે.

અલ નીનોની અસરથી ચોમાસા પર અસર

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પ્રશાંત મહાસાગરમાં મજબૂત અલ નીનો સ્થિતિ જોવા મળી રહી છે. આ સ્થિતિ ભારતના ચોમાસાના વરસાદને અસર કરી શકે છે અને ઓગસ્ટમાં વરસાદની ઘટ તથા વધેલા તાપમાન પાછળ તેનું યોગદાન હોવાનું IMDએ જણાવ્યું છે.

ખેડૂતો માટે સપ્ટેમ્બર મહત્વનો

સપ્ટેમ્બરમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની આગાહી કૃષિ માટે પણ મહત્વની બની શકે છે. ચોમાસાના અંતિમ તબક્કામાં વરસાદની સ્થિતિ પાક, જમીનની ભેજ અને આગામી રવિ સિઝનની તૈયારીઓ પર અસર કરી શકે છે. ઓછા વરસાદની અસર પાણીના સંસાધનો અને ખેતી સાથે જોડાયેલા અન્ય ક્ષેત્રો પર પણ પડી શકે છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો