પ્રકાશ કારીયા, ચલાલા : અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ધારાગણી ગામે ખેડૂતોના કલ્યાણ અને આર્થિક ઉત્થાનના હેતુ સાથે PM કિસાન ઉત્સવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે જ ખેતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ભારત સરકારની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમનું આયોજન ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તેમજ ધારી તાલુકા વહીવટી વિભાગના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. યોજનાનો મુખ્ય ઉદ્દેશ નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા તેમજ તેમની આવકમાં વધારો કરવામાં મદદરૂપ થવાનો છે.
દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ
કાર્યક્રમની શરૂઆત ભારત માતાની પ્રતિમા સમક્ષ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારી તાલુકા વહીવટી વિભાગ દ્વારા મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
બગસરા શહેર ભાજપના સંગઠન પ્રભારી પ્રકાશભાઈ કારીયાએ પ્રાસંગિક પ્રવચનમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો, ગ્રામ્ય વિસ્તારો તેમજ સામાન્ય નાગરિકો માટે અમલી વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી. તેમણે સરકારી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના વ્યક્તિ અને જરૂરિયાતમંદ ખેડૂતો સુધી પહોંચે તે માટે ગ્રામજનો, આગેવાનો અને કર્મચારીઓને સક્રિય ભૂમિકા ભજવવા અનુરોધ કર્યો હતો.
પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા
ખેતી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રહેલા તેજસ્વી અને પ્રગતિશીલ ખેડૂતોને કાર્યક્રમ દરમિયાન પ્રમાણપત્ર અર્પણ કરી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન દ્વારા ખેતી ક્ષેત્રે સારું કાર્ય કરતા ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
LED સ્ક્રીન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ
કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે યોજાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું વિશાળ LED સ્ક્રીનના માધ્યમથી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત લોકોએ વડાપ્રધાનનું સંબોધન અને માર્ગદર્શન નિહાળ્યું હતું.
રાજકીય આગેવાનો, અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત
આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ગીતાબેન કારીયા, ધારી તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા, તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અને સદસ્ય બાબાભાઈ વાળા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વનરાજભાઈ વાળા, મહિલા સદસ્ય રમીલાબેન ડોબરીયા, બગસરા શહેર ભાજપના સંગઠન પ્રભારી પ્રકાશભાઈ કારીયા, ધારી તાલુકા ભાજપના પીઢ આગેવાન ખોડાભાઈ ભુવા, મામલતદાર, ધારી માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર સુભાષભાઈ ગજેરા, અનિલભાઈ પટેલ, તાલુકા યુવા ભાજપ પ્રમુખ નિલેશભાઈ હિરપરા અને તાલુકા ભાજપ ઉપપ્રમુખ કાળુભાઈ સભાયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત ડીટલાના રણજીતભાઈ ઝાલા, ગરમલીના સરપંચ રાજુભાઈ જોટાણીયા, ધારાગણીના સરપંચ અને ઉપસરપંચ, કમીના સરપંચ, ગોપાલગ્રામ, નાના સમઢિયાળા અને કેરાળા સહિતનાં ગામોના આગેવાનો, માતાઓ-બહેનો, અધિકારીઓ તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉમેશભાઈ ચાવડાએ સુંદર રીતે કર્યું હતું. અંતે ઉપસ્થિત મહાનુભાવોએ ખેડૂતોના હિતમાં યોજાયેલા આ કાર્યક્રમ બદલ ધારી તાલુકા વહીવટી વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. ખેડૂતોની સમૃદ્ધિ, ગ્રામ્ય વિસ્તારનો વિકાસ અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના ખેડૂત સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે ધારાગણી ખાતે PM કિસાન ઉત્સવ દિવસની ઉજવણી ઉત્સાહભેર સંપન્ન થઈ હતી.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







