આપણો દેશ અનેક વિવિધતાઓ થી સભર છે. એમાંય ગુજરાત રાજ્ય સમગ્ર રાજ્યો માં શિરમોર છે. ગુજરાત પણ અનેક વિવિધતાઓથી ભરપૂર છે. ગુજરાત માં આવેલ સૌરાષ્ટ્ર પંથક અને એમાંય “ગીર” પ્રદેશ. જેમાં હિમાલય કરતા પણ જેનું આયુષ્ય વધારે છે તેવો “ગિરનાર” પર્વત તથા સમગ્ર વિશ્વમાં એકમાત્ર એવું એશિયાઈ સિંહો નું નિવાસસ્થાન એવું “ગીર” નું જંગલ સમગ્ર વિશ્વનાં આકર્ષણ નું કેન્દ્ર બનેલ છે.
“ગીર” માં સાંસ્કૃતિક ધરોહર સચવાયેલ છે. ગીરનાં માલધારીઓ અને સિંહો ની વાત જગજાહેર છે. ગીરનાં સ્થાનિકો અને જંગલનાં રાજા સિંહ વચ્ચે અદભુત તાલમેલ જોવા મળે છે. આવા, અદભુત સ્થળ “ગીર” ને આજનાં ડિજિટલ યુગમાં વિશ્વ સમક્ષ લઈ જવાનું કાર્ય સોશિયલ મીડિયાનાં માધ્યમથી ફેસબુક ગ્રુપ “આપણું ગીર” શીર્ષક હેઠળ બનાવવામાં આવ્યું છે. ટીપે ટીપે સરોવર ભરાય તેમ, એક નાની સંખ્યામાં ગિરપ્રેમીઓ “આપણું ગીર” ગ્રુપમાં જોડાયા હતાં, આજે ખુબજ ટૂંકા ગાળા માં ૨ લાખ સભ્યો સાથેનું એક વિશાળ વટવૃક્ષ બની ગયું છે. આ ગ્રુપમાં ગીર, સિંહ, માલધારી, ગીરની સંસ્કૃતિ તથા અનેક વિષયો પર જાણકારી મુકવામાં આવે છે.
“ગીર” એટલે સાહિત્યકારો અને કવિઓ નું જન્મસ્થાન અહીંથી અનેક મહાન સાહિત્યકારો વિશ્વને મળ્યા છે. હાલનાં ખ્યાતનામ સાહિત્યકારો પણ “આપણું ગીર” ગ્રુપમાં જોડાયેલ છે. વનવિભાગ નાં અધિકારીઓ, સ્થાનિકો, ગિરપ્રેમીઓ, વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરો, પ્રકૃતિ પ્રેમીઓ, રાજકારણીઓ, પોલીસ અધિકારીઓ, પત્રકારો આવા અનેક મહાનુભાવો “આપણું ગીર” ગ્રુપની શોભા વધારી રહ્યા છે. ગ્રુપમાં રોજેરોજ અવનવી માહિતી મુકવામાં આવે છે. “આપણું ગીર” ગ્રુપની સ્થાપના કરનાર નયસત ગોસાઈ કે જેમને લોકો “બાપુ” નાં હુલામણાં નામથી સંબોધે છે. તેઓ જણાવે છે કે, “ગીર તો અમારી માં છે, ગીરે અમને બધુજ આપ્યું છે, તેથી અમારી ફરજ બને છે કે, ગીરનું જતન કરવું, આજનાં સોશિયલ મીડિયાનાં જમાનામાં અમે આ માધ્યમનો ઉપયોગ કરી ગીર વિશે માહિતી લોકો સમક્ષ પ્રસ્તુત કરવાનું કાર્ય કરી રહ્યાં છીએ.” વિશેષમાં “આપણું ગીર” ગ્રુપનાં એડમીન નયસત ગોસાઈ જણાવે છે કે, ગ્રુપની સ્થાપના અમે 5 વ્યક્તિ કરી છે જે ગિરને સંપૂર્ણ સમર્પિત હોય છે. જેમકે, મુળુંભાઈ વણઝાર કે જેઓ ગીરનાં માલધારી છે અને પ્રખ્યાત ખજૂરીનેસનાં વાસી છે. મંગળુબાપુ વાળા કે જેઓ પ્રકૃતિ પ્રેમી છે, ઇતિહાસના જાણકાર છે, મુન્નાભાઈ વરુ કે જેઓ ગીરનાં વાસી છે, ગિરપ્રેમી છે અને સામાજિક અગ્રણી છે. તથા મયંકભાઈ ભટ્ટ (Save Lion) કે જેઓ ગીર અને સિંહનાં પ્રશ્નોને સરકાર સમક્ષ પ્રસ્તુત કરે છે.
આમ, ગિરને સમર્પિત મહાનુભાવો આજે ૨ લાખથી વધારે સભ્યો ધરાવતું વિશાળ “આપણું ગીર” ગ્રુપ ખુબજ સફળતાથી ચલાવી રહ્યા છે. અને ગીર ની સંસ્કૃતિને લોકો સમક્ષ લઈ જવાનું ભગીરથ કાર્ય કરી રહ્યાં છે. રોજ બરોજ અસંખ્ય લોકો “આપણું ગીર” ગ્રુપમાં જોડાઈ રહ્યાં છે. જે બતાવે છે કે, આજનાં આધુનિક, દોડધામ વાળા યુગમાં મનુષ્યને કુદરતનાં ખોળે શાંતિની ઘેલછા છે જ, આવાં વ્યક્તિઓને “આપણું ગીર” ગ્રુપ કુદરતની નજીક લઈ જવાનો પ્રયાસ કરી રહ્યું છે.