સૌરાષ્ટ્રમાં આજે સવારે તડકો અને વાદળછાયું તેમ મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું. તો બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું હતું ત્યારે ખાંભા પંથકમાં વરસાદ વરસતા રસ્તાઓ ભીંજાયા છે તો ગારીયાધાર, તળાજા અને મહુવામાં પણ વરસાદી છાંટા પડતા જગતાત ચિંતામાં મૂકાયા છે. મહત્વનું છે કે હાલ શિયાળુ પાક જીરૂ, ચણા અને ઘઉંને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.તો બીજી તરફ કપાસના પાકને પણ નુકસાન પહોંચે તેવી શક્યતા છે.
ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો
ખાંભાના ડેડાણ, ખડાધાર, બોરાળા, ચક્રવા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. વરસાદથી પશુઓનો ખુલ્લામાં પડેલો ચોમાસુ ઘાસચારો પણ પલળવાની ભીતિ છે. ખાંભા શહેરમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. સૌરાષ્ટ્રમાં આજે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે અને બફારાનું પ્રમાણ જોવા મળતા લોકો પણ અકળાયા છે.
ઉલ્લેખનીય છે કે ડિસ્ટર્બન્સની અસર હેઠળ વાતાવરણમાં પલ્ટો આવશે અને વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેના પગલે ભાવનગર શહેર અને આસપાસના પંથકમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો અને આકાશમાં વાદળોથી ઘેરાયું છે. ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગારીયાધાર, તળાજા અને મહુવાના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર છાંટા વરસ્યા હતા. રાજકોટ, જામનગર, અમરેલી, દ્વારકામાં પણ આજે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે