કોરોનાની પરિસ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. કોરોના સંક્રમણના આ બીજા તબક્કામાં મોટા શહેરોજ નહીં પરંતુ નાના શહેરો તથા ગામડાં પણ અછૂતા રહી શક્યા નથી. ઉના તથા ગીર ગઢડામાં પણ કોરોનાના કેસો દિવસેને દિવસે વધતાં જાય છે. આ સ્થિતિમાં બન્ને તાલુકાઓના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રો ઉપર પણ કામનું ભારણ સતત વધી રહ્યું છે. આ સ્થિતિમાં આ બન્ને તાલુકાઓને કોરોના પરીક્ષણ માટે રેપિડ એન્ટિજેન કીટ પૂરતા પ્રમાણમાં ફાળવવામાં આવતી ના હોવાની ફરિયાદ ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને કરવામાં આવી છે.
આ ઉપરાંત ઓકસીઝનની માંગ પણ બન્ને તાલુકાઓમાં વધી રહી હોવા છતાં યોગ્ય જથ્થો બન્ને તાલુકાઓને આપવામાં આવી રહ્યો નથી તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. અગાઉ કલેક્ટરને આ અંગે જાણ કરી હોવા છતાં યોગ્ય પગલાં લેવાયા ના હોવાની ફરિયાદ પણ આ રજૂઆતમાં કરવામાં આવી છે. ઉનાની તથા ગીરગઢડાની પ્રજાએ ઓકસીઝનના અભાવે ભારે હલકી ભોગવવી પડી રહી છે અને આ કારણે મૃત્યુદર પણ વધી રહ્યો છે. ધારાસભ્ય દ્વારા માંગ કરવામાં આવી છે કે બન્ને તાલુકાઓને પૂરતા પ્રમાણમાં રેપિડ ટેસ્ટની કીટ તથા જરૂરી માત્રામાં ઓકસીઝન રાજ્ય સરકાર દ્વારા પૂરું પાડવામાં આવે. ઉનાના ધારાસભ્યએ કરેલી આ રજૂઆતના પગલે રેપિડ કીટનો જથ્થો આપવામાં આવશે તેવી આશા લોકો સેવી રહ્યા છે. ભવ્ય પોપટ,