હાલ ચાલી રહેલી કોરોના મહામારીની બીજી લહેરમાં રાજ્યના વાહનચાલકોને હાલપૂરતી રાહત આપતો રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. હવેથી ગુજરાતમાં  પોલીસ વાહનચાલકો પાસે માસ્કન પહેરવાના દંડ સિવાય અન્ય કોઈ પણ દંડની વસૂલાત કરી શકશે નહીં. ટ્રાફિકના અન્ય નિયમોના ભંગ બદલ હાલ ગુજરાતમાં  પોલીસ દ્વારા કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં.

ગાંધીનગર ખાતે આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વાહનવ્યવહાર મંત્રી આર સી ફળદુ તેમજ ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાને આ અંગેની સૂચના આપી છે. ટ્રાફિક પોલીસ દ્વારા નિયમ ભંગ બદલ વાહનો ડિટેઈન કરાય છે, તેને છોડાવવા રાજ્યભરની RTO કચેરીમાં ભારે ભીડ થાય છે. જેને પરિણામે પણ કોરોના સંક્રમણ ફેલાવાનો ખતરો રહે છે.હાલની પરિસ્થિતીને જોતાં કોઈ પણ સ્થળે ભીડ ભેગી ન થાય તે રાજ્ય સરકારની અગ્રિમતા છે આ બાબતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કેબિનેટની બેઠકમાં કરવામાં આવ્યો છે .