કોરોનાના વધતા સંકટને જોતા ગઈ કાલે મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી પંચનેફટકાર લગાવી હતી. એક અરજીની સુનાવણીમાં કોર્ટે કહ્યું હતું કે કોરોનાની બીજી લહેર માટે સંપૂર્ણ રીતે ચૂંટણી પંચ જવાબદાર છે. ચૂંટણી પંચે કોઈ પણ પ્રકારની ચૂંટણી સભા પર રોક લગાવી નહીં. જેના કારણે મોટી સંખ્યામાં લોકો એક જગ્યાએ ભેગા થતા રહ્યા. ફટકાર લગાવવાની સાથે સાથે હાઈકોર્ટે ચૂંટણી પંચને એવો આદેશ પણ આપ્યો હતો કે 2 મેના રોજ ગણતરી માટે પૂરો પ્લાન તૈયાર કરવામાં આવે. જો તે દિવસે કોઈ પણ પ્રકારની ચૂક થઈ તો કોર્ટ કાઉન્ટિંગ પર જ રોક લગાવી દેશે.
કોરોના વાયરસના વધતા પ્રકોપ વચ્ચે ચૂંટણી પંચે મહત્વનો નિર્ણય લીધો છે. પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામ 2જી મેના રોજ જાહેર કરાશે. આવામાં ચૂંટણી પંચે પરિણામ બાદ કોઈ પણ પ્રકારના વિજય સરઘસ, જૂલૂસ કે જશ્ન પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવ્યો છે.
પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આસામ, કેરળ અને પુડ્ડુચેરીની વિધાનસભા ચૂંટણીના પરિણામ 2 મેના રોજ જાહેર થવાના છે. હાલ ચાર રાજ્યોમાં ચૂંટણી પૂરી થઈ ગઈ છે જ્યારે બંગાળમાં હજુ પણ એક તબક્કાનું મતદાન બાકી છે. આવામાં ચૂંટણી પંચ તરફથી મહત્વનો નિર્ણય લેવાયો છે. કોરોનાનું સંકટ છેલ્લા કેટલાક દિવસથી ગંભીર બની રહ્યું છે. આવામાં ચૂંટણી રેલીઓમાં ઉમટેલી ભીડ પર સતત સવાલ થઈ રહ્યા હતા. બંગાળમાં સાતમા તબક્કાનામતદાન પહેલા ચૂંટણી પંચે મોટી રેલીઓ, રોડ શો અને પદયાત્રા પર રોક લગાવી હતી. રાજકીય પક્ષોને વર્ચ્યુઅલ સભાઓ કરવાની અપીલ પણ કરવામાં આવી હતી