કોરોના-કોવિડ-19 સંક્રમણથી માતા-પિતા ગુમાવનારા અનાથ-નિરાધાર બાળકને રાજ્ય સરકાર માસિક રૂા. ૪,૦૦૦ની સહાય આપશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીએ અનાથ-નિરાધાર થયેલા બાળકો માટે મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય કર્યો છે. કોર કમિટિના આ સંવેદનશીલ નિર્ણય અનુસાર કોરોના-કોવિડ-19 સંક્રમણથી માતા-પિતા ગુમાવનારા અનાથ-નિરાધાર થયેલા બાળકને રાજ્ય સરકાર માસિક રૂા. ૪૦૦૦ની સહાય આપશે. આવી સહાય બાળક ૧૮ વર્ષનું થાય ત્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.
આ કોર કમિટિમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલ, ગૃહ-રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ સર્વ પંકજકુમાર, શ્રી એમ. કે. દાસ તેમજ આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવી અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.






