ગાંધીનગરઃ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના સમાજકાર્ય વિભાગ દ્વારા ગાંધીનગરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગરીબ બાળકોને રમકડાં તેમજ બાળકો, યુવાનો અને વડીલોને વસ્ત્રોનું વિતરણ કરાયું હતું. ફીલ્ડવર્કના ભાગરૂપે સમાજકાર્યના વિદ્યાર્થીઓએ કપડાં અને રમકડાં એકઠાં કર્યાં હતાં. બાદમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં તેનું વિતરણ કરી સમાજકાર્યના વિવિધ સિદ્ધાંતો અને મૂલ્યો વિશે જ્ઞાન મેળવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં સમાજકાર્યના સેમેસ્ટર-૧ તથા સેમેસ્ટર-૪ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.

વિદ્યાર્થીઓએ બાળકોને વિવિધ રમતો રમાડી તેમજ વડીલો સાથે સંવાદ કર્યો હતો. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ આવનારા સમયમાં આ બાળકોને શિક્ષિત કરવાનો નિર્ધાર કર્યો હતો.ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી હર્ષદભાઈ શાહની પ્રેરણા અને કુલસચિવ ડૉ. અશોક એન. પ્રજાપતિના માર્ગદર્શનમાં આ કાર્યક્રમ યોજાયો હતો. સમાજકાર્ય વિભાગના અધ્યક્ષા શ્રીમતી રીનાબહેન રાઓલ, ડૉ. નરેન્દ્રકુમાર વસાવા તથા ડૉ. શૈલેષભાઈ બ્રહ્મભટ્ટના સંયોજનમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.