આજરોજ વિધાનસભા ગૃહમાં વાહનવ્યવહાર વિભાગ, માર્ગ અને મકાન વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતાં વિધાનસભા વિરોધપક્ષના નેતા સુખરામભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, રાજ્યની આર.ટી.ઓ. કચેરીઓમાં અપૂરતા સ્ટાફને કારણે નાગરિકોના કામ એજન્ટ વગર પૂર્ણ થતા નથી. રાજ્ય સરકારે એજન્ટ પ્રથા બંધ કરેલ છે ત્યારે સરકાર આ અંગે ચોક્કસ પગલાં લેવા જોઈએ. આર.ટી.ઓ. કચેરીઓમાં આર.સી. બુકની તંગીને કારણે ત્રણ-ત્રણ મહિને ગ્રાહકોને આર.સી. બુક આપવામાં આવે છે. પ્રજાને પડતી મુશ્કેલીઓનું સત્વરે નિરાકરણ આવે તેવી કાર્યવાહી સરકારે કરાવવી જોઈએ.
વિરોધપક્ષના નેતાશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની બસોને પણ ટોલ ટેક્સ તરીકે મોટી રકમ ચૂકવવી પડે છે. જો એસ.ટી. બસોને ટોલ ફ્રી કરવામાં આવે તો મુસાફરોનો સમય બચે અને ઝડપથી જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી પણ શકે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દેવાયુક્ત નિગમ છે. અવારનવાર સરકારી કાર્યક્રમોમાં સરકારી બસોનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનું ભાડું ચૂકવવામાં આવતું નથી. રાજ્ય સરકાર નિગમને સહાય કરે છે પરંતુ સરકારી બસોના ઉપયોગ બદલ ભાડું ચૂકવાતું ન હોવાના કારણે નિગમ ખોટમાં જાય છે. એસ.ટી.માં ડ્રાયવર-કંડક્ટરની જગ્યાઓ ખાલી છે, તેમની ભરતી પ્રક્રિયા બંધ હોવાના કારણો શું છે ? ડ્રાઈવર-કંડક્ટર વગર ગામડાની બસો બંધ કરી દેવામાં આવે છે, જેથી ગામડામાંથી આવતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં, કોર્ટ કચેરીના કામે આવતા પ્રજાજનોને મુશ્કેલીઓ ઉભી થાય છે. ખાસ કરીને ગામડાની બસોનું સંચાલન નિયમિત થાય એની કાળજી રાખવી જરૂરી છે.
વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે, રાજ્યનો વિકાસ થાય, ગામડાનો વિકાસ થાય તે માટે સારા રસ્તાઓની જરૂર પડે. રાજ્યમાં એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓની સત્વરે મંજૂરી આપવી જોઈએ જેથી કરીને ગામડાના માણસને શહેર સુધી પહોંચવામાં પડતી તકલીફ દૂર થાય. ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે પુલોને નુકસાન થયું હતું, પુલો તૂટી ગયા હતા, જે આજદિન સુધી પુનઃ તૈયાર થયા નથી, આવા પુલોનું કામ સત્વરે કરવું જોઈએ.
વિરોધપક્ષના નેતા સુખરામભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, છોટાઉદેપુરથી મધ્યપ્રદેશ તરફ જતા રસ્તાઓ સાંકડા હોવાના કારણે અવારનવાર અકસ્માતના બનાવ બને છે, લોકોના જીવ જાય છે, આવા રસ્તાનું વાઈડનીંગ કામ કરવું અત્યંત જરૂરી છે. પાનવડ, ખાટીયાવાડ, ચલામલી, કુશીન્દ્રા માર્ગ હોય, કવાંટ-રેણદા માર્ગ હોય, નવાલજા-વખતગઢ માર્ગ હોય, આવા માર્ગોની અંગે અવારનવાર માંગણી કરવામાં આવે છે ત્યારે આદિવાસી વિસ્તારના રસ્તાઓને સરકારે સત્વરે મંજૂરી આપવી જોઈએ. માલસામાનમાં થયેલ ભાવવધારાના કારણે રાજ્યના કોન્ટ્રાક્ટરો આજે ટેન્ડર ભરતા નથી ત્યારે સરકારે કોન્ટ્રાક્ટર એસોસીએશન જોડે ચર્ચા કરવી જોઈએ અને પ્રશ્નનો નિકાલ લાવવો જોઈએ.







