દેશમાં મોંઘવારીથી પરેશાન જનતાને વધુ એક આંચકો લાગ્યો છે. એક સપ્તાહ પહેલા કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાથી વધુનો વધારો થયો છે.
સરકારે ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. આ સાથે હવે 14.2 કિલોના ઘરમાં વપરાતો સિલિન્ડર 50 રૂપિયા મોંઘો થઈ ગયો છે. દિલ્હીમાં આજથી ઘરેલુ સિલિન્ડરની કિંમત 999.50 રૂપિયા પર પહોંચી ગઈ છે. નોંધનીય છે કે 1 મેથી કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતોમાં 100 રૂપિયાથી વધુનો વધારો થયો હતો. જોકે, ત્યારે ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો ન હતો. આ પહેલા એપ્રિલમાં પણ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે આ પહેલા 22 માર્ચે પણ ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ દિલ્હીમાં તેની કિંમત વધીને 949.50 રૂપિયા થઈ ગઈ હતી. જણાવી દઈએ કે, 22 માર્ચે, પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી પછી પેટ્રોલ, ડીઝલ અને LPGની કિંમતોમાં જે ક્રમ શરૂ થયો હતો તે જ ક્રમમાં સબસિડીવાળા ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
22 માર્ચ પહેલા LPG સિલિન્ડરની કિંમત લગભગ છ મહિના સુધી સ્થિર રહી હતી. 6 ઓક્ટોબર 2021 પછી ઘરેલુ LPG સિલિન્ડરના દરમાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ આ વખતે માત્ર એક મહિનાના ગાળામાં 14.2 કિલોગ્રામના સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સપ્લાય ચેઈન પ્રભાવિત થવાના કારણે ગેસના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.