અમરેલી: ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે એક તરફ ભાજપ વિધાનસભાની તમામ બેઠક જીતવાના દાવા કરી રહી છે. બીજી તરફ 1997થી ગુજરાતમાં સત્તાથી દૂર રહેનાર કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવવાનો દાવો કરી રહી છે.  તો હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ ચૂંટણીના રણમેદાને ઉતારવા તૈયાર છે અને ગુજરાતમાં ફરી ત્રિ પાંખિયો જંગ થશે. ગુજરાતના ઇતિહાસની વાત કરવામાં આવ તો જયારે પણ ત્રિ પાંખિયો જંગ થયો છે ત્યારે નુકશાન કોંગ્રેસને થયું છે. ગુજરાતની તમામ બેઠક પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારને મેદાને ઉતારવાની તડામાર તૈયારી કરી રહ્યું છે. અમરેલી જિલ્લાની ધારી બેઠક પર પાટીદાર અને કોળી સમાજનું પ્રભુત્વ છે. જોઈએ કોનું પલડું ભારે છે

છેલ્લી 3 ચૂંટણીના પરિણામ પર નજર

વર્ષ 2007
વર્ષ 2007માં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપે મનસુખભાઈ ભુવાને મેદાને ઉતાર્યા હતા. જયારે કોંગ્રેસે  બાલુભાઈ તંતીને મેદાને ઉતાર્યા હતા. જેમાં ભાજપના ઉમેદવાર મનસુખ ભાઈ ભુવા વિજેતા થયા હતા.

વર્ષ 2012
વર્ષ 2012માં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી તેમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ભાજપથી નારાજ થઇ અને એક અલગ પાર્ટી તૈયાર કરી અને ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ થયો ગુજરાત પરિવર્તન પાર્ટીને સમગ્ર ગુજરાતમાં કુલ બે જ બેઠક મળી હતી તેમાં જૂનાગઢ જિલ્લાના વિસાવદર પર પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને ધારી બેઠક પર નલિન કોટડીયા વિજેતા થયા હતા. આ બેઠક માથે બાજપે મનસુખ ભુવાને મેદાને ઉતાર્યા હતા. કોંગ્રેસે કોકિલાબેન કાકડીયાને મેદાને ઉતાર્યા હતા. ગુજરાત પરિવર્તન પાર્ટીના નલિન કોટડિયાને ધારીની જનતાએ વિધાનસભામાં મોકલ્યા હતા. જોકે ગુજરાત પરિવર્તન પાર્ટીનું ભાજપમાં વિલીનીકરણ થઇ ગયું હતું.

વર્ષ 2017
વર્ષ 2017ની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ વાતાવરણ જોવા મળ્યું હતું. હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાની સમગ્ર ચૂંટણી દરમિયાન ચર્ચામાં રહ્યા હતા. ભાજપ માટે કપરા ચડાણ હતા. છતાં ભાજપ બહુમત મેળવવામાં સફળ રહ્યું હતું. ધારી બેઠકની વાત કરવામાં આવે તો ભાજપે આ બેઠક પર દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીને મેદાને ઉતાર્યા હતા. કોંગ્રેસે જે.વી. કાકડીયાને મેદાને ઉતાર્યા હતા. જેમાં કોંગ્રેસના ઉમેદવાર જે.વી. કાકડિયાનો વિજય થયો હતો.

જોકે જે.વી. કાકડિયાએ વર્ષ 2020માં કોંગ્રેસનો સાથ છોડ્યો ભાજપની  વિચારધારા સ્વીકારી અને ભાજપમાં જોડાયા. ભાજપે પેટા ચૂંટણીમાં જે.વી. કાકડિયાને ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા અને કોંગ્રેસે સુરેશ કોટડિયાને મેદાને ઉતાર્યા હતા. જ્યારે અપક્ષ માથી પિયુષ ઠૂમરે પણ સારી લડત આપી હતી.  જેમાં ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયાનો વિજય થયો હતો.

ધારી બેઠકનું સમીકરણ
અમરેલી જિલ્લાની ધારી બેઠક પર પાટીદાર તેમજ કોળી સમાજનું પ્રભુત્વ છે. ધારી બેઠકની જનતાએ 2007માં ભાજપને 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટીને અને 2017માં કોંગ્રેસને વિજેતા બનાવ્યા હતા.  2020ની પેટ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને વિધાનસભામાં મોકલ્યા હતા. ધારી બેઠકમાં કુલ 2,22,080 મતદાર છે જેમાં 1,15,605 પુરુષ મતદારો છે જયારે 1,06,467 સ્ત્રી મતદારો છે. અન્ય 8 મતદારો છે. ધારી વિધાનસભાની બેઠકમાં ધારી, બગસરા અને ખાંભા આમ ત્રણ તાલુકાનો સમાવેશ થાય છે. ધારી બેઠક કોઈ પણ પક્ષની બેઠક માની ના શકાય. અહીંની જનતા પક્ષ કરતા વધુ મહત્વ ઉમેદવારને આપે છે.

ધારી વિધાનસભા બેઠક પર અત્યાર સુધીમાં 1 વખત પેટા ચૂંટણી સહીત 14 વખત વિધાનસભાની ચૂંટણી થઇ ચુકી છે. સૌથી વધુ 3 વખત મનુભાઈ કોટડીયા આ બેઠક પર વિજેતા થયા છે.  શરૂઆતમાં ધારી બેઠક 38- ધારી-કોડીનાર તરીકે ઓળખાતી હતી, જ્યારે વર્ષ 1975માં 46- ધારી વિધાનસભા તરીકે ઓળખાતી હતી. ત્યારબાદ વર્ષ 2012થી ધારી બેઠકને 94- ધારી બેઠકની ઓળખ મળી છે.

2022ના સમીકરણ  
વર્ષ 2021માં વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ્દ પરથી રાજીનામુ આપી દીધું હતું અને ભુપેન્દ્ર પટેલની સરકારમાં ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયાને મંત્રીમંડળમાં સ્થાન આપવાનું નક્કી હતું. છેલ્લી ઘડીએ જે.વી. કાકડીયાનું પત્તુ કાપવામાં આવ્યું હતું. હવે આ બેઠક પર પૂર્વ ધારાભય મનસુખ ભુવા પણ સક્રિય છે અને આ બેઠક પર વર્ષ 2017માં દિલીપ સંઘાણી ચૂંટણી લડી ચુક્યા છે. ભાજપ જે.વી કાકડિયાને રિપીટ કરી શકે છે જ્યારે કોંગ્રેસ ડૉ. કિર્તિભાઈ બોરીસાગર, સુરેશ કોટડીયા અથવા પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ જેની ઠુમરને મેદાને ઉતારી શકે છે. જ્યારે આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો પ્રદેશ પ્રવકતા પાયલ પટેલ, જીતુ ગજેરા અથવા  ઉપેન્દ્રભાઈ વાળાને મેદાને ઉતારી શકે છે.