ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ પક્ષપલટાની જાણે મોસમ આવી અને હોદ્દેદારો તથા ધારાસભ્યો જાણે પાકી ગયા હોય તેમ પક્ષના આંબા પરથી ખરી પડે છે અને અન્ય પક્ષમાં જોડાઈ જાય છે. પક્ષપલટાની વાત આવે એટ્લે કોંગ્રેસનું નામ સૌથી મોખરે. કોંગ્રેસના નેતાઓ માટે પક્ષપલટો કરી ભાજપ સિવાય વધુ એક ઓપ્શન મેળવી લીધો છે. હવે આમ આદમી પાર્ટી તરફ પ્રવાહ વળવા લાગ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઉતરી ચૂકી છે ત્યારે ભાજપ બાદ આમ આદમી પાર્ટીએ તોડજોડની રાજનીતિ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસના નેતાઓ જોડાઈ રહ્યા છે. સી વોટરના ફાઉન્ડર યશવંત દેશમુખના ટ્વિટ મુજબ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન 100 સમર્થકો માથી 75 સમર્થકો કોંગ્રેસના જોડાઈ રહ્યા છે. આ સાથે નેતાઓની વાત કરવામાં આવે તો ઇન્દ્રનીલ રાજયગુરૂ થી લઈને લાલેશ ઠક્કર સુધી 7 જેટલા મોટા નેતાઓ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
કોંગ્રેસનો ઓપ્શન આપ ?
વિધાનસભાની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તેવો દાવો કર્યો છે ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસને સતત ફટકા લાગી રહ્યા છે. કોંગ્રેસના 7 નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ગુજરાત કોંગ્રેસને 2017ની ચૂંટણીમાં 77 બેઠક મળી હતી 2022 આવતા આવતા 62 બેઠક પર કોંગ્રેસ આવી ગઈ છે.
કોંગ્રેસના આ નેતાઓ જોડાયા આપમાં
- ઇન્દ્રનીલ રાજ્યગુરુ
- વશરામ સાગઠિયા
- ઓમ પ્રકાશ તિવારી
- નિતાબેન મહેતા (પૂર્વ મુખ્યમંત્રી છબીલદાસ મહેતાના પુત્રી )
- ચેતન રાવલ (પૂર્વ ગૃહમંત્રી સ્વ. પ્રબોધ રાવલના પુત્ર )
- સૂર્યસિંહ ડાભી
- લાલેશ ઠક્કર ( પાટણ કોર્પોરેટર )







