રાજકોટઃ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે એવામાં ભાજપ-કોંગ્રેસ સહિત તમામ નાની મોટી પાર્ટીઓ એક્ટિવ મોડમાં આવી ચૂકી છે. કોંગ્રેસના નવા સૂકાની તરીકે શક્તિસિંહ ગોહિલની નિયુક્તી થયા પછી કોંગ્રેસમાં જાણે નવા પ્રાણ ફૂંકાયા હોય તેમ નેતાઓ એક પછી એક એક્ટિવ મોડમાં આવી રહ્યાં છે. એવામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અને પછી પાર્ટીઓ બદલવામાં વ્યસ્ત હતા તે નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ ફરી એક્ટિવ થયા છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુએ અદાણી-મોદી મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા છે. આ સાથે તેમણે ગુજરાતમાં ઈલેક્ટેડ નહીં પણ મોદીજીના સિલેક્ટેડ સીએમનું રાજ ચાલતુ હોવાનો પણ આરોપ લગાવ્યો છે.
અદાણી-મોદીના સંબંધને લઈને પ્રહાર
એક વીડિયોના માધ્યમથી ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું કે, અદાણી અને તેની વાત સમગ્ર દેશમાં ચાલી રહી છે . રાહુલ ગાંધીએ સવાલ તો સાચો જ કર્યો છે. પ્રધાનમંત્રીની નજીક ગણાતા લોકોને લઈને કેન્દ્ર સરકારના મંત્રીઓ એક ધંધાદારી વ્યક્તિ માટે આખી દનિયા સામે લડવા માટે તૈયાર થઈ જાય તેનો અર્થ ખુબ જુદો થાય તે આપણે સમજવુ જોઈએ.રાહુલ ગાંધીનો સવાલ મોદી અને અદાણીના શું સંબંધ છે તેના જવાબમાં એવુ કહેવાયું હોત કે ધંધાદારી વ્યક્તિ છે અને આપણા ભારતના છે તો સમજી શકાયું હોત પણ કેન્દ્ર સરકારના મંત્રીઓ પાસેથી મોદીજીએ વ્યક્તિગત આક્ષેપો કરાવડાવ્યા. રાહુલ ગાંધી માને છે અને હંમેશા કહે પણ છે કે અદાણી જ મોદી છે. એટલે કે નામ માત્ર અદાણીનું છે પણ તમામ પ્રકારના લાભ તો મોદીજીને થાય છે. મોદીજીએ તેમની થબી સારી બનાવી રાખી છે.
‘મોદીના સિલેક્ટેડ સીએમનું ગુજરાતમાં રાજ’
આ સાથે ગુજરાતમાં ચાલતી સરકારને લઈને પણ તેમણે પ્રહાર કરતા કહ્યું કે, જાહેર જીવનના વ્યક્તિ તરીકે મારે કહેવુ જોઈએ કે, જે રીતે ગાંધીનગરમાં સરકાર ચાલે છે તેવામાં કોઈ સીએમ કે મંત્રી કે ભાજપનો આગેવાન ભ્રષ્ટાચાર કરે તેવી શક્યતા જ નથી. કારણ કે અહીંયા ઈલેક્ટેડ સીએમ છે જ નહીં મોદીજીનો સિલેક્ટેડ ખુરશી વગરનો સીએમ કહે એટલુ જ ચાલે તેવા પ્રકારની સ્થિતિ ગુજરાતમાં નિર્માણ થઈ છે. ધારાસભ્યનું નથી ચાલતુ એ વાત તો દુર પણ મુખ્યમંત્રી અને મંત્રીનું પણ નથી ચાલતુ એવી સ્થિતિ ગુજરાત અને ભાજપ શાસિત રાજ્યોમાં નિર્માણ પામેલી છે. શ્રીલંકાએ પણ કહ્યું કે, મોદીજીની દખલગીરીના કારણે ઓસ્ટ્રેલિયામાં અદાણીનો પ્રોજેક્ટ ચાલતો હોય છે. અદાણીનો પ્રોજેક્ટ ડાયરેક્ટ મોદીજી હેન્ડલ કરતા હોય છે. ત્યારે આપણે એ સમજવુ પડશે કે કોણ ભ્રષ્ટાચારી છે. કોના નામે ભ્રષ્ટાચાર થાય છે. કોના પૈસા કોને જાય છે. આ તમામ બાબતો આપણે આવતા દિવસોમાં વિચારવી જોઈએ.







